માત્ર રૂ.1.5 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ સુપરહિટ, ફી લીધા વગર કામ કરનાર ડિરેક્ટરને હવે કરોડોની કમાણીની આશા
14 વર્ષ સુધી વાર્તાને પડદા પર લાવવા સંઘર્ષ કરતા વિશાલ ચતુર્વેદીએ ફિલ્મ માટે નહોતી લીધી ફી; નિર્માતાના દાવા મુજબ નફો ત્રણ નિર્માતા અને ડિરેક્ટર વચ્ચે સરખા ભાગે વહેંચાશે
મુંબઈ, તા.૨૪
ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ વર્ષ 2026ની સરપ્રાઈઝ હિટ ફિલ્મોમાં સ્થાન મેળવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આશરે 1.5 કરોડ રૂપિયાથી થોડા વધુના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં સાત અઠવાડિયા પૂર્ણ કર્યા બાદ પણ દર્શકોને આકર્ષી રહી હોવાનું નિર્માતાઓનું કહેવું છે. ફિલ્મને ‘ધુરંધર 2’ અને ‘બોર્ડર 2’ પછી વર્ષની ત્રીજી સૌથી મોટી હિટ તરીકે પણ રજૂ કરવામાં આવી રહી છે.
ફિલ્મની સફળતા કરતાં પણ તેના ઓછા બજેટ અને ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીની 14 વર્ષની લાંબી સફર ચર્ચાનો વિષય બની છે. ફિલ્મની નિર્માતા અનુપ્રિયા નાગરના જણાવ્યા અનુસાર ‘હનુમાન અંશ’નું કુલ બજેટ 1.5 કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. આમાંથી આશરે 50 લાખ રૂપિયા તેમણે વ્યક્તિગત રીતે ફિલ્મમાં રોક્યા હતા.
ખાસ વાત એ છે કે ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીએ ફિલ્મના દિગ્દર્શન માટે કોઈ ફી લીધી નહોતી. તેના બદલે ફિલ્મમાંથી મળનારા નફામાં તેમને હિસ્સો આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અનુપ્રિયાના જણાવ્યા પ્રમાણે ફિલ્મના ત્રણ નિર્માતા અને ડિરેક્ટર વચ્ચે અંતિમ નફો સરખા ભાગે વહેંચવામાં આવશે.
નફાની ગણતરી અંગે અનુપ્રિયાએ જણાવ્યું હતું કે ફિલ્મની કુલ આવકમાંથી સૌથી પહેલાં ડિસ્ટ્રિબ્યુટર્સનો હિસ્સો જશે. ત્યારબાદ અન્ય ખર્ચ અને ટેક્સની ચુકવણી કરવામાં આવશે અને અંતે બચનારી રકમ ચારેય ભાગીદારો વચ્ચે વહેંચાશે. આ રીતે તેમને અંતિમ નફાનો ચોથો ભાગ મળવાનો છે.
સિનેમાઘરોમાં ફિલ્મના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અનુપ્રિયાએ પોતાનો હિસ્સો આશરે 50 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. જોકે તેમણે પોતે પણ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર પ્રાથમિક અંદાજ છે. ફિલ્મના OTT, મ્યુઝિક અને સેટેલાઇટ અધિકારો માટે હજુ કોઈ ડીલ થઈ નથી. તેથી અંતિમ નફો કેટલો રહેશે અને ડિરેક્ટર સહિત દરેક ભાગીદારને વાસ્તવમાં કેટલી રકમ મળશે તે હાલ નિશ્ચિત નથી.
જો નિર્માતાનો અંદાજ સાચો ઠરે અને ચારેય ભાગીદારોને સમાન હિસ્સો મળે તો કોઈ ફી લીધા વગર ફિલ્મનું દિગ્દર્શન કરનાર વિશાલ ચતુર્વેદીને પણ મોટી રકમ મળી શકે છે. વિશાલે આ સંભવિત કમાણી અંગે જણાવ્યું હોવાનું અહેવાલમાં કહેવાયું છે કે આટલી મોટી રકમને કેવી રીતે સંભાળવી તે અંગે તેમણે હજુ વિચાર્યું નથી અને તેનો એક સારો ઉપયોગ સમાજને કંઈક પાછું આપવામાં થઈ શકે છે.
‘હનુમાન અંશ’ સુધી પહોંચવાની વિશાલ ચતુર્વેદીની સફર પણ લાંબી રહી છે. અનુપ્રિયા નાગરના જણાવ્યા પ્રમાણે વિશાલ લગભગ 14 વર્ષથી આ વાર્તાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક OTT પ્લેટફોર્મ સમક્ષ પણ વાર્તા રજૂ કરી હતી, પરંતુ લાંબા સમય સુધી પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો.
આખરે રાગિણી સોના અને નમ્રતા સિંહે પ્રોજેક્ટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધ્યા હોવાનું અનુપ્રિયાએ જણાવ્યું છે. મર્યાદિત બજેટ અને ડિરેક્ટરની ફી વગર શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે નિર્માતાઓના જણાવ્યા પ્રમાણે મોટી વ્યાવસાયિક સફળતા તરફ આગળ વધી રહ્યો છે. જોકે ફિલ્મના અંતિમ નફા અને ભાગીદારોને મળનારી કરોડોની રકમ અંગેના આંકડા હાલ અંદાજ આધારિત છે અને તમામ આવક તથા ખર્ચની ગણતરી બાદ જ વાસ્તવિક આર્થિક પરિણામ સ્પષ્ટ થશે.


