"Declaring Deaf People’s Human Rights”ની થીમ સાથે ૨૩ સપ્ટેમ્બર ‘આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ‘ની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે

"Declaring Deaf People’s Human Rights”ની થીમ સાથે ૨૩ સપ્ટેમ્બર ‘આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ‘ની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે

રાજકોટ તા.ર૩
વ્યક્તિ પોતાની સંવેદના, જરૂરિયાત અને વાત શબ્દોના માધ્યમથી રજૂ કરે છે. દુનિયામાં અનેકો ભાષાઓ છે જેમાં કરોડો શબ્દો બોલવામાં આવે છે. પણ ક્યારેય એવો વિચાર કર્યો છે કે શબ્દો વગરની દુનિયા કેવી હશે! જ્યાં અવાજ નથી  છતાંય સૌથી ઊંડી અને ર્નિમળ વાતો થાય છે! સંકેતોના માધ્યમથી એવો પણ ગુંજારવ થાય છે જે મૂક બધિરોના જીવનમાં સંવાદ ભરે છે. જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા તેમના માટે સંકેતો થકી જ સંવાદ છે. શબ્દો વગરના સંકેતોથી જ  બને છે સાંકેતિક ભાષા. આ જ સાંકેતિક ભાષાનો આજે દિવસ છે. સંકેતોના મહત્વ અંગેની સમજ અને જાગૃતિ કેળવાય તે માટે જ સમગ્ર દુનિયામાં ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ દિવસ‘ (International Day of Sign Languages) દિવસની ઉજવણી કરવામાં આવે છે. અભિવ્યક્તિ માત્ર શબ્દો કે અવાજ પૂરતી સીમિત નથી. વિશ્વના કરોડો બહેરા (મૂક-બધિર) સમુદાયની વિશિષ્ટ ભાષાને સન્માન આપવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા દર વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ‘ ઉજવવામાં આવે છે. ૨૩ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ઇટાલીના રોમ શહેરમાં ૧૩૫થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતી ‘વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ‘ (WFD)ની સ્થાપના થઈ હતી. આ સંસ્થાની પહેલથી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ ૨૦૧૭માં આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. જેની વર્ષ ૨૦૨૬ની થીમ “Declaring Deaf People’s Human Rights” છે. આજના આ અનોખા દિવસે ઋણ સ્વીકાર કરીએ બોટાદના એક એવા શિક્ષકનો જેમણે સંકેતોની આ ભાષા થકી કેટલાય દિવ્યાંગોના જીવનમાં રણકાર પાથર્યો છે. બોટાદ જિલ્લાના ૪૩ વર્ષીય માધ્યમિક શાળાના શિક્ષક ભાવેશભાઈ પંડ્યા એક એવા સંકેતગુરૂ છે  જેમણે અનેકો મૂક બધિરોને સાંકેતિક ભાષા શીખવી તેમના જીવનને વાચા આપી છે. મૂળ ભાવનગર જિલ્લાના વતની ભાવેશભાઈ પંડ્યા વર્ષ ૨૦૦૭થી બોટાદ જિલ્લા ખાતે વિશિષ્ટ શિક્ષક(Hearing Impaired) તરીકે કાર્યરત છે. બોટાદ જિલ્લાના મૂંગા અને બહેરા દિવ્યાંગોને સાંકેતિક ભાષા શીખવવાથી લઈને આર્ત્મનિભર બનાવવા સુધીની સફરના માર્ગદર્શક છે. તેઓ જિલ્લાની નિર્ધારિત શાળાઓમાં ઊભા કરવામાં આવેલા રિસોર્સ રૂમમાં મૂંગા અને બહેરા વિદ્યાર્થીઓને સાઈન લેંગ્વેજ શીખવાડે છે. બાળકોને સાઈન લેંગ્વેજ એટલે ઈશારાઓની ભાષાથી વારના નામ, મહિનાના નામો, જીવનની દિન ચર્યા સહિત વિદ્યાર્થીઓને અભ્યાસ લક્ષી તમામ બાબતો સાઈન લેંગ્વેજનાં માધ્યમથી શીખવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ફીઝીયોથેરાપી, સાયકોલોજી સહિતની ટીમ પણ કાર્યરત હોય છે. જેમાં વિદ્યાર્થીઓની તકલીફ સમજીને તેનું યોગ્ય નિવારણ લાવવામાં આવે છે.