મા.. પાવા તે ગઢથી ઉતર્યા... મહાકાળી એ.. જૂનાગઢમાં ઉમંગ અને આસ્થાભેર નવરાત્રી પર્વની ઉજવણી

મા.. પાવા તે ગઢથી ઉતર્યા... મહાકાળી એ.. જૂનાગઢમાં ઉમંગ અને આસ્થાભેર નવરાત્રી પર્વની ઉજવણી

પ્રાચીન ગરબીઓમાં બાળાઓનાં રાસ-ગરબાની રમઝટ, સળગતી ઈંઢોળી, ભુવા રાસ, દેશભકિત થીમ આધારીત રાસએ આકર્ષણ જગાવ્યું
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ શહેરમાં શકિતની આરાધના અને જગદંબા અંબાજી માતાજીની ઉપાસનાનાં પર્વ આસો નવરાત્રીની ભાવભેર, ઉમંગભેર અને આસ્થાભેર સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન ગરબીઓમાં બાળાઓનાં રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે. અને માતાજીનાં દુહા, છંદ અને ગરબા લેવામાં આવી રહયા છે. ગરબે ઘુમતી શકિત સ્વરૂપા બાળાઓનાં રાસ-ગરબા નિહાળવા લોકો ઉમટી પડે છે. અને ગરબા નિહાળી ભાવવિભોર બને છે. 
હિન્દુ ધર્મનાં દરેક તહેવારોમાં સૌથી મોટો તહેવાર એટલે જ આસો નવરાત્રી.. આ તહેવાર ઉજવવામાં આવે છે. નવરાત્રીનાં ૯ દિવસ એટલે અંબાજી માતાજીની ભકિત, સેવા, પુજાનો મહીમા આ દિવસો એટલે કે નવરાત્રીનાં નવ દિવસોમાં માતાજીનાં બેઠા ગરબા તેમજ રાસ-ગબા લેવા ઉપરાંત અનુષ્ઠાન, હવન સહીતનાં ધર્મ કાર્યો સાથે ઉજવણી થાય છે. આઠમનાં હવનનાં કાર્યક્રમો ઠેર ઠેર યોજાઈ છે. પરંપરાગત રીતે નવરાત્રીનાં ધાર્મિક કાર્યો યોજવામાં આવે છે. આ સાથે જ નવરાત્રીનાં નવ દિવસો દરમ્યાન શેરી, ગલી અને ચોકમાં માતાજીની પધરામણી કરી અને ગરબીઓ થાય છે. જેમાં નાની બાળાઓનાં રાસ-ગરબાનાં કાર્યક્રમો ઠેર ઠેર યોજવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં નવરાત્રીની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં શેરી, ગલીઓમાં દર વર્ષે થતી ગરબીઓ આ વર્ષે પણ યોજવામાં આવી છે. નવરાત્રીનાં દિવસોમાં ગરબે રમતી બાળાઓનાં માતાજી સ્વરૂપનાં દર્શન કરી ભાવિકો ભાવવિભોર બને છે. નવરાત્રી મહોત્સવનાં પર્વને શહેરમાં ઉત્સાહભેર મનાવવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેરમાં ૧૦૦થી વધારે પ્રાચીન ગરબીઓ થાય છે. ડીજીટલ યુગમાં એક તરફ આધુનિક દાંડીયા રાસનાં કાર્યક્રમોનાં  મસમોટા આયોજનો થતા હોય તેવા સમયે પણ પ્રાચીન ગરબીઓએ આજે પણ તેની પરંપરા જાળવી રાખી છે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં થતી પ્રાચીન ગરબીઓમાં બાળાઓનાં રાસ ગરબાનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. દુહા, છંદ, માતાજીની સ્તુતી, ગરબા ગવડાવવામાં આવે છે અને વાંજીત્રોનાં સથવારે બાળાઓનાં રાસ યોજવામાં આવે છે. પ્રાચીન ગરબીઓમાં ચળીયાચોળી, માતાજીની ધાબરી તેમજ પરંપરાગત વેશભુષા સાથે બાળાઓ ગરબે ઘુમે છે. ત્યારે વિવિધ સ્વરૂપે બિરાજતા માતાજીનાં દર્શન થતાં હોવાનો ભાવ ઉભો થાય છે.જૂનાગઢ શહેરમાં શેરી ગરબીઓનાં રાસ ગરબા નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. બાળાઓનાં વિવિધ રાસ જેવા કે ટીપ્પણી રાસ, ઈંઢોણી રાસ, સળગતી ઈંઢોણી રાસ, ભુવા રાસ ભારે આકર્ષણરૂપ બને છે. જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબી મંડળનાં સંચાલકો, આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.