શાપુરની જળ હોનારતને આજે 22 જુનનાં 43 વર્ષ પુર્ણ
એકજ દિવસમાં 70 ઈંચ વરસાદથી ગામ આખું મકાનો સહિત જળબંબાકાર જળપ્રલય બન્યું હતું : તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ખાસ આ જળ હોનારત નિરીક્ષણ કરવા આવ્યા હતા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા. 22
જૂનાગઢ નજીક આવેલા શાપુર (સોરઠ) ગામે 22 જુન 1983 ના રોજ વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુરમાં જે ભયંકર જળતાંડવ મેઘરાજાએ ખેલ્યું હતું તેને લોકો થરથર યાદો સાથે સાંભરે છે. તે દિવસે માત્ર એકજ દિવસમાં 70 ઈંચ જેટલો વરસાદ પડતા ચારેબાજુ જળબંબાકાર થઈ ગયું હતું. એ ભયાવહ યાદ કરતા લોકો કહે છે કે સતત બે દિવસ સુધી લોકો મકાનના નળીયા, છાપરા કે વૃક્ષો ઉપર ચડીને રહયા હતા અને 48 કલાક સુધી પાણી ભરાયેલું રહયું હતું. રેલ્વે લાઈન તો સંપુર્ણ નાશ પામી હતી. ટેલીફોન વ્યવહાર અને રસ્તાઓ ખોરવાઈ ગયા હતા. અને ચોથા દિવસે તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી આવ્યા હતા. અને હોનારતનું નિરીક્ષણ કર્યુ હતું. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને ગુજરાત રાજયની આખીયે કેબીનેટ જૂનાગઢના સર્કીટ હાઉસમાંથી ચાલતી હતી. તે સમયે જીલ્લા કલેકટર મંજુલાબેન સુબ્રહ્મયમ હતા અને સાત દિવસમાં વ્યવહાર પુર્વવત કરાયો હતો. તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ દિવસો સુધી શાપુર-જૂનાગઢ ખાતે મુકામ રાખ્યો હતો. ગામમાં પુરને કારણે ચારેય તરફ દરિયો દરિયો હતો. ઓઝત, ઉબેણ, મધુમતી બે કાંઠે જ નહીં પરંતુ ઘોડાપુરથી ધસમસતી હતી. દુધ, અનાજ તો શું લોકો પાસે પીવાનું પાણી પણ ન હતું.
ત્રણ-ત્રણ દિવસ સુધી મોતની સામે ઝઝુમતા થાંભલે કે ઝાડ ઉપર રહયા હતા. મોબાઈલ ફોન કે ટીવી પણ તે યુગમાં ન હતા. ચારે બાજુ લાઈટો બંધ હતી. ફાનસ અને મીણબત્તીના પ્રકાશમાં વહીવટી તંત્ર કામ કરતું હતું. તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે દિવસો સુધી શાપુર-જૂનાગઢ ખાતે મુકામ રાખ્યો હતો. એમ કહેવાય છે કે, 1200થી પણ વધુ લોકો આ પુર હોનારતમાં મૃત્યુ પામ્યા હતા તો પશુઓના તો બેસુમાર મોત થયા હતા. વેરાવળથી નિવૃત્ત થયેલા મામલતદાર દેવકુમાર આંબલીયા તે સમયે જૂનાગઢ કલેકટર કચેરીમાં કલાર્ક તરીકે કામ કરતા હતા. તેઓ હિમાલય ટ્રેકીંગમાં ગયા હતા અને 22000 ફુટ ઉંચે ધર્મશાળા મુકામે તેઓ મનપસંદ કાર્યક્રમ રેડીયો તાલીમે ઈસતાબમાં ફિલ્મ ગીતો સાંભળતા હતા તેવામાં બ્રેકીંગ ન્યુઝમાં સાંભળ્યું કે ‘જૂનાગઢમાં જબ્બર પુર આવ્યું છે.’ આથી તેઓ ટ્રેકીંગનો કાર્યક્રમ પડતો મુકી જૂનાગઢ દોડી આવ્યા હતા અને ફરજ ઉપર લાગી ગયા હતા. તેમણે તે કાળમાં જાેયું કે ડેડબોડીની સંખ્યા એટલી બધી હતી કે ટાયરથી અંતિમ સંસ્કાર કરવા પડયા હતા. લાકડા તો ભીના હતા. ડામર રોડ જેમ લોખંડનું પતરૂં ઉડે ને ઉખડી જાય તેમ પોપડા સહિત આખો રોડ જ ઉડી ગયો હતો તો રેલ્વે લાઈનના પાટા દાતણની ચીંરની જેમ ઉખડી ટંગાઈ ગયા હતા. આજેય પણ શાપુરમાં કયાં સુધી પાણી હતું તેનું લખેલ નિશાન કયાંક-કયાંક દેખાય છે. આખા મકાનના રૂમ, પંખા સુધી ઉંચે ધસમસતુ પુર પહોંચ્યું હતું.





