મ્યુનિસિપલ કમિશ્નર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રજાકીય પ્રશ્નોના સમયમર્યાદામાં અને સકારાત્મક ઉકેલ લાવવા સૂચના : ધારાસભ્યોએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક પરામર્શ કરાયો
જૂનાગઢ, તા.૨૪
મ્યુનિસિપલ કમિશ્નર તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ભગવાનભાઈ બારડ, ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી મ્યુનિસિપલ કમિશ્નરે લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી, તેમણે ધારાસભ્યોએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોને સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કરવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ થાય તે માટે કચેરી-વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ ગ્રામ્ય અને વન વિભાગ હેઠળના રસ્તાઓના મરામત તથા નવીનીકરણ, પાકવીમા, વીજળી, ગ્રામ પંચાયતનું નિર્માણ, જર્જરીત ટાંકીઓને દૂર કરવી, ટેકાના ભાવની ખરીદીનું સમયસર ચુકવણું, સાસણ ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરવા, મનરેગા યોજના સહિતના પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા, આ સંદર્ભમાં સલગ્ન અધિકારીઓએ પણ પ્રશ્નોના નિવારણ અર્થેના પ્રત્યુતર પાઠવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા, આસિસ્ટન્ટ કલેકટર પ્રતીક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિતના જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


