પાંચ મર્ડર - બે બળાત્કારનાં ગુનામાં 30 વર્ષની સજા પામેલો ખુંખાર ફરાર આરોપી મોહન હમીર મુંબઈથી ઝડપાયો : 16 માસથી પેરોલ જમ્પ કરી હતી

જૂનાગઢનાં ચકચારી ચાંદની હત્યાકાંડ સહિતનાં વિવિધ ગંભીર ગુનામાં સંડોવાયેલો મોહન હમીર વેશ પલ્ટો કરીને રહેતો હતો : ચોકકસ બાતમીનાં આધારે પોલીસે ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો

પાંચ મર્ડર - બે બળાત્કારનાં ગુનામાં 30 વર્ષની સજા પામેલો ખુંખાર ફરાર આરોપી મોહન હમીર મુંબઈથી ઝડપાયો : 16 માસથી પેરોલ જમ્પ કરી હતી

 જૂનાગઢ તા. 9
પાંચ મર્ડર, બે બળાત્કારનાં ગુનામાં 30 વર્ષની સજા પામેલો અને છેલ્લા 16 માસથી પેરોલ જમ્પ કરી ફરાર રહેલા જૂનાગઢનાં મોહન હમીરને મુંબઈથી પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સમગ્ર રાજ્યમાં નાસતા-ફરતા કેદીઓને પકડવા માટે ઓપરેશન કારાવાસ-2 ડ્રાઇવ રાખવામાં આવેલ છે. આ ડ્રાઇવ અંતર્ગત તેમજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવાની ઉપરી અધિકારીઓની કડક સૂચના અન્વયે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી સક્રિય રીતે કાર્યરત હતી.
આ સંયુક્ત તપાસ અને પેટ્રોલીંગ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ મોટા ઓપરેશનો પાર પાડીને એક તરફ સોળ માસથી ફરાર અતિ રીઢા ગુનેગારને પકડી પાડ્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર સ્ક્વોડના એએસઆઈ ઉમેશભાઈ વેગડાને ચોક્કસ બાતમી મળી હતી કે પાંચ મર્ડર અને બે બળાત્કારના ગુનામાં ત્રીસ વર્ષની સજા પામેલો અને છેલ્લા સોળ માસથી પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો રીઢો ગુનેગાર મોહન હમીર ગોહિલ સુરત તેમજ મહારાષ્ટ્રના મુંબઈ અને બોરીવલી રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં વેશપલટો કરીને છુપાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ઉમેશભાઈ વેગડા તાત્કાલિક મહારાષ્ટ્રના બોરીવલી પહોંચ્યા હતા અને ત્યાં સતત પાંચ દિવસ સુધી મજૂરનો વેશ ધારણ કરી ખાનગી રાહે વોચ ગોઠવી હતી.
આખરે સ્થાનિક પોલીસની મદદથી આ ખતરનાક આરોપીને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી મોહન હમીર ગોહિલ જૂનાગઢના બિલખા રોડ પર આવેલ રાજીવ નગર સોસાયટીનો રહેવાસી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે. તેણે વર્ષ 2007 માં જૂનાગઢના દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી જઈ બળાત્કાર ગુજારી હત્યા કરવાનો અતિ ચર્ચાસ્પદ "ચાંદની હત્યા કાંડ" આચરેલ હતો. જેમાં વર્ષ 2011માં કોર્ટે તેને સજા ફટકારી હતી. આ સિવાય તેના નામે વર્ષ 1992માં રમેશ રૂડાની હત્યા, વર્ષ 1994માં નાનજી કુંભાની હત્યા, વર્ષ 1995માં કેશોદમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી નવીનભાઈની હત્યા તેમજ વર્ષ 2005માં મુંઘીબેનની હત્યા સહિત કુલ પાંચ ખૂન બોલે છે. એટલું જ નહીં, વર્ષ 2009માં ફરારી દરમિયાન રાજકોટના કુવાડવા વિસ્તારમાં એક મજૂરની દીકરી પર સામુહિક બળાત્કાર ગુજારવાનો ગુનો અને પ્રોહિબિશન ધારા હેઠળના અસંખ્ય ગુનાઓ પણ તેના વિરુદ્ધ નોંધાયેલા છે. દરમ્યાન 16 મહિનાથી પેરોલ પર ફરાર મોહન હમીરને પોલીસે આખરે ઝડપી લીધો છે અને જેલ હવાલે કરેલ છે.