રાણાકંડોરણા ગામે પ્રાકૃતિક ખેતી અંગે અવેરનેસ અને ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૧
રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે ‘મિશન ઓન નેચરલ ર્ફામિંગ’(NMNF) યોજના અંતર્ગત ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જાગૃતિ કેળવાય તે હેતુથી અવેરનેસ અને ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારી શાંતિબેન ઓડેદરા દ્વારા ઉપસ્થિત ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પાકના રક્ષણ માટે ઉપયોગી એવા અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોની બનાવટ, તેની ઉપયોગિતા તથા ખેતરમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની પદ્ધતિઓ અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, હાલમાં ચાલી રહેલી ગાય ખરાઈની કામગીરી વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂતો પોતાના ઘરવપરાશ માટે ઉગાડતા શાકભાજી તથા અન્ય પાકોમાં રાસાયણિક ખાતરો કે દવાઓનો ત્યાગ કરી વધુમાં વધુ પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવે તે માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


