રાજ્યની જનગણના કચેરીના ડાયરેક્ટર સુજલ મયાત્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી

રાજ્યની જનગણના કચેરીના ડાયરેક્ટર સુજલ મયાત્રાએ સુરત  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી

ગાંધીનગર તા.૧૩
ગુજરાતની જનગણના કચેરીના ડાયરેક્ટર શ્રી સુજલ મયાત્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા કરી હતી. જે અંતર્ગત તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.-૨ની મુલાકાત લઈને જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટ હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ ઓપરેશન્સ (HLO)ની ચાલી રહેલી કામગીરીની વિસ્તૃતમાં વિગતો મેળવી હતી.
ડાયરેક્ટર શ્રી સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, આ પૂર્વ-ટેસ્ટ જનગણના-૨૦૨૭ની તૈયારીના ભાગરૂપે કરવામાં આવી રહી છે, જે દેશની પહેલી સંપૂર્ણ રીતે ડિજિટલ અને પેપરલેસ જનગણના હશે. આ જનગણનાનું મુખ્ય લક્ષ્ય ક્ષેત્રિય પ્રક્રિયાઓનું મૂલ્યાંકન, ડિજિટલ એપ્લિકેશન્સનું પરીક્ષણ અને સંપૂર્ણ જનગણનાથી પહેલા ઓપરેશનલ પડકારોની ઓળખ કરવાનું છે.
આ મુલાકાત દરમિયાન શ્રી મયાત્રાએ ગણતરીદારો અને સુપરવાઈઝરો સાથે વાતચીત કરીને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ૧૦૦ ટકા ડિજિટલ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ એપ્લિકેશન્સના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું અને ટેકનોલોજી દ્વારા કાર્યક્ષમતા, ચોકસાઈ તેમજ પારદર્શિતામાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો.
ડાયરેક્ટર શ્રી મયાત્રાએ જનગણના-૨૦૨૭માં પહેલીવાર અમલમાં આવનાર સ્વ-ગણના (Self-Enume®aion) વિકલ્પ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ વિકલ્પ નાગરિકોને સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની માહિતી ભરવાની સુવિધા આપે છે. શ્રી મયાત્રાએ ફિલ્ડ સ્ટાફને આ વિકલ્પ સાથે પરિચિત થવા અને નાગરિકોને તેનો વ્યાપક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા સૂચન કર્યું હતું.
જનગણના-૨૦૨૭ પૂર્વ-ટેસ્ટ માત્ર તકનીકી અભ્યાસ નથી, પરંતુ દેશના સૌથી મોટા ડિજિટલ ડેટા સંગ્રહ પ્રયાસ માટેની રિહર્સલ છે. સામૂહિક પ્રતિબદ્ધતા અને જાહેર સહભાગીતાથી આ જનગણનાને પારદર્શિતા તથા ટેકનોલોજી સુધારણા માટેનું મોડલ બનાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મયોગીઓને શ્રી મયાત્રાએ પ્રેરિત કર્યા હતા.  ફિલ્ડ મુલાકાત બાદ શ્રી મયાત્રાએ સુરતના કલેકટર ડૉ. સૌરભ પારધી અને સુરતના ઉપ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી નિધી સિવાચ સાથે પણ સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં પૂર્વ-ટેસ્ટની પ્રગતિ, તાલીમ-મોનીટરીંગ સિસ્ટમ તેમજ જિલ્લા, ઉપ-જિલ્લા અને કોર્પોરેશન વચ્ચેના સંયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સુરત શહેરમાં પૂર્વ-ટેસ્ટ કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન, વહીવટ અને ફિલ્ડ સ્ટાફના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.