વેરાવળમાં તુર્ક સમાજનાં પટેલની ગોળી મારી હત્યા મામલે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનો ધમધમાટ : આરોપીઓ ઝડપી લીધાનાં બિનસત્તાવાર અહેવાલ

વેરાવળમાં તુર્ક સમાજનાં પટેલની ગોળી મારી હત્યા મામલે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનો ધમધમાટ : આરોપીઓ ઝડપી લીધાનાં બિનસત્તાવાર અહેવાલ

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૧
વેરાવળ શહેરમાં તુર્ક સમાજનાં અગ્રણી અને પટેલ જાવિદ તાજવાનીની ગોળી મારી હત્યા કરવાનાં બનાવને પગલે સનસનાટી મચી જવા પામી છે. હત્યાકાંડનાં આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી રહી હોવાનું જાણવા મળે છે.
સીસીટીવી ફૂટેજમાં પાંચથી વધુ મોપેડ અને બાઈક પર સવાર થઈ હુમલાખોરો ઘટના સ્થળે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. આધારભૂત સુત્રો દ્વારા મળતી વિગત મુજબ આ હત્યાનાં બનાવમાં બર્ગમેન મોપેડ પર મુખ્ય આરોપી ફારૂક મૌલાના આવ્યો હતો અને બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીઓએ જાહેર માર્ગ પર જ ફાયરીંગ કરતા જાવિદ તાજવાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ તમામ આરોપીઓ નાસી છૂટયા હતા ગંભીર રીતે જખ્મી થયેલા તાજવાનીને પ્રથમ વેરાવળ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયા ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. પોલીસ દ્વારા હત્યાના આ બનાવ અંગે ઝડપી કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. 
મુખ્ય આરોપી ફારૂક મૌલાના સહિત ચારેય શખ્સોને પોલીસે દબોચી લીધા હોવાના બિન સત્તાવાર અહેવાલ છે.દરમ્યાન મૃતક જાવિદ તાજવાનીનાં મૃતદેહને રાજકોટ ખાતે પેનાંલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે તેના મૃતદેહને વેરાવળ લાવવામાં આવતા તુરક સમાજ સહિત શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ઘટના સ્થળ તથા આસપાસનાં વિસ્તારોમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહયું છે.