વેરાવળમાં સાત વર્ષ પૂર્વે લૂંટ ચલાવી હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી
પોલીસે એકત્ર કરેલ પુરાવાઓ અને તટસ્થ તપાસના આધારે કોર્ટે કડક સજા ફટકારી
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૩
વેરાવળમાં સાત વર્ષ પુર્વે બનેલા ચકચારી હત્યા અને લૂંટના કેસમાં સીટી પોલીસએ ઉંડાણપૂર્વકની તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાઓ તથા સરકારી વકીલોની મજબૂત દલીલોના આધારે વેરાવળ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તા.૧૩ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સીટી પોલીસમાં નોંધાયેલા ગુનામાં આરોપી સંજયભાઈ ધનજીભાઈ બારીયાએ ભોગ બનનારને પોતાની મારૂતિ અર્ટીગા કારમાં બેસાડીને વેરાવળના સાંઈબાબા મંદિર પાસેથી દરિયાકાંઠા તરફ લઈ ગયો હતો. ત્યાં કારની અંદર જ તકિયા વડે ડુચો દઈ શ્વાસ રોકી હત્યા નિપજાવી હતી અને બાદમાં આરોપીએ મૃતકના શરીર પર રહેલા આશરે ૧૦ તોલા સોનાના દાગીના લૂંટી લીધેલ અને મૃતદેહને બોરીમાં ભરી સોમનાથ હાઇવે નજીક ઝાંખરાવાળી પડતર જગ્યામાં ફેંકી દીધો હતો. આ અંગે જાણ થતા ઘટનાની ગંભીરતા સમજી સીટી પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તત્કાલીન પીઆઈ એન.જી. વાઘેલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, સાક્ષીઓના નિવેદન અને સ્થળ પરના પુરાવાઓના આધારે ગણતરીના સમયમાં આરોપીને પકડી પાડ્યો હતો. બાદમાં પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરી તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતુ. સરકારી વકીલ કે.ડી. વાળા અને જે.ડી. પાઠકે કોર્ટમાં અસરકારક દલીલો કરી સાક્ષીઓ, ફોરેન્સિક પુરાવા અને તપાસના તથ્યોને આધારે કોર્ટને આરોપીની સંડોવણી અંગે કોઈ શંકા રહી નહોતી. જેથી અંતે વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને IPC કલમ ૩૦૨ (હત્યા) અને ૩૯૨ (લૂંટ) હેઠળ આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની સમગ્ર તપાસ અને કામગીરી રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસવડા જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ પારદર્શક અને કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસ ગીર સોમનાથ પોલીસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગણાઈ રહ્યો છે. ગંભીર ગુનાઓમાં ઝડપથી ભેદ ઉકેલી મજબૂત પુરાવા સાથે કોર્ટમાં કેસ સાબિત કરવો એ પોલીસની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા કડક પગલાં જરૂરી હોવાનું આ ચુકાદો સ્પષ્ટ કરે છે.


