શીલના જરીયાવાડા ગામે ઈજાગ્રસ્ત હાલતમાં ગૌવંશ મળી આવતા ચકચાર
જૂનાગઢ તા. ૧૬
માંગરોળનાં શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જરીયાવાડા ગામે ઈજાગ્રસ્ત હાલતમાં ગૌવંશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક મળતી વિગત અનુસાર માંગરોળ તાલુકાનાં શીલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં જરીયાવાડા ગામે બામણવાડા રોડ પર પાણીના ટાંકાની બાજુમાં આવેલા સ્થળ ઉપર ગૌવંશ ઈજાગ્રસ્ત હાલતમાં અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યું છે. આ સ્થળ નજીક તિક્ષણ હથીયારો પણ પડયા હોવાની ચર્ચા છે. ગૌવંશને ગંભીર રીતે ઝખ્મી કરી નાખ્યા હોવાનાં બનાવની જાણ થતાં લોકોમાં ભારે આક્રોષ ફેલાયેલો છે. દરમ્યાન ગૌવંશને કોણે ઈજા પહોંચાડી તે અંગે પણ ચર્ચા ઉઠવા પામી છે. દરમ્યાન આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે તરફ લોકોની મીટ મંડાયેલ છે.


