સોમનાથ મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ પૂર્વે અમદાવાદનું બાપા સીતારામ સેવા ટ્રસ્ટનાં સેવકો ચોખ્ખું ચણાક સ્વચ્છ સેવા અભિયાનથી કરશે
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૩
ભારતના બાર જ્યોર્તિલીંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના મંદિરને પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ પૂર્વે અમદાવાદથી પ૦૦ જેટલા બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સેવકો સોમનાથ મંદિર તથા સોમનાથ ટ્રસ્ટના મંદિરો અને સંકુલોની સાફસફાઈ સેવા કરી સેવા ભક્તિ કરશે. સોમનાથ ટ્રસ્ટના સહયોગથી આ સેવાયજ્ઞ અંગે વિગત આપતા અમદાવાદ બાપા સીતારામ સેવા ટ્રસ્ટના અગ્રણી હરિશભાઈ સોનીએ જણાવ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુત્ર સાથે અમદાવાદથી પ૦૦ જેટલા સેવકો તારીખ ૮ ઓગસ્ટ રાત્રીએ નીકળી ૯ તારીખે સોમનાથ સવારે પહોંચશે. જયાં ફ્રેસ થઈ બજરંગદાસ બાપાની આરતી કરી અલગ-અલગ ટીમોમાં સોમનાથ મંદિર, જુનું સોમનાથ, ભાલકા મંદિર, ત્રિવેણી, રામ મંદિર, ગીતા મંદિર, પ્રાચી, મંદિર પરિસર, ગૌશાળા, હરિહર વન, સ્મશાન સહિતના સ્થળોએ સાફસફાઈ કરી પતરાની પ્લેટોથી જામેલો કચરો દુર કરી મંદિરને ચકચકતું સ્વચ્છ બનાવશે. આ માટે અમો પોતે જ સફાઈના સાધનો સાથે લાવીએ છીએ. જેમાં ૧પ૦ સાવરણા, પ૦ સાવરણી, ૮૦ વાયપર, ૮૦ પોતા, પ૦૦ ફૂટ પાણીની પાઈપ લાઈન, ર પાણીના પ્રેસર પંપ, પ૦ લીટર સફાઈ લીકવીડનો ઉપયોગ કરાશે. હરેશભાઈ સોનીએ જણાવ્યું કે, છેલ્લા ર૩ વર્ષથી અમો ગુજરાતના દેવ મંદિરોમાં સેવકો સાથે આવી સેવા ભક્તિ કરીએ છીએ. સોમનાથમાં આ સેવા ૧પ વર્ષથી કરીએ છીએ. ૯ ઓગસ્ટે રાઉન્ડ ધ કલોક આ સફાઈ સેવા ચાલું રહે છે અને ૧૦ ઓગસ્ટ સોમવારના રોજ પૂજય બજરંગદાસ બાપાની ધૂન-ભજન અને વાજતેગાજતે નગરયાત્રા ધ્વજાના સામૈયા સાથે સોમનાથ મંદિરે પહોંચી ધ્વજારોહણ કરશે અને મહાદેવને થાળ ધરશે. આવનારા સેવકો સામાન્યથી માંડી અધિકારીઓ, ડોકટરો, ઈજનેરો વિગેરે રાજયના જુદા-જુદા સ્થળોએથી સેવકો ભાગ લેશે. જેમાં ર૪૦ જેટલા મહિલા સેવકો પણ ભાગ લેશે. બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સેવકો સમુહ સાથે દર મહિને ગુજરાતના કોઈ દેવમંદિરોમાં આ રીતે સ્વચ્છતા અભિયાન કરતું રહે છે. જેમાં બગદાણા, સતાધાર, ભુરખીયા હનુમાન, ઘેલા સોમનાથનો સમાવેશ થાય છે. ભાગ લેતા સ્વયંસેવકો સ્વખર્ચે અને ભકિતભાવરૂપે આ ભક્તિ સેવા કરે છે.


