હવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા તંત્ર એકશન મોડમાં : ઓખા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ

હવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા તંત્ર એકશન મોડમાં : ઓખા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.4
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ દરિયાઈ વિસ્તારની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. સાવચેતીના પગલારૂપે દ્વારકા તાલુકાના ઓખા બંદર પણ 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. હવામાન વિભાગે જાહેર કરલે સંભાવના અનુસાર આગામી સમયમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે અરબી સમુદ્રમાં ભારે કરન્ટ જોવા મળવા ઉપરાંત ઊંચા મોજાઓ ઉછળતા જોવા મળી રહ્યા છે.
દરિયાઈ સ્થિતિ વણસે તેવી સંભાવના જોતા તંત્ર દ્વારા તમામ માછીમારોને સાવચેત રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તમામ માછીમારોને પોતાની બોટો કિનારે સલામત સ્થળે લાંગરી દેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બોટમાં રહેલ કિંમતી સામાન સુરક્ષિત ખસેડવા પણ જણાવાયું છે. કાંઠા વિસ્તારમાંથી તમામ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચિત કરાયા છે.