હવે દેશભરમાં ટૂ-વ્હીલર એમ્બ્યુલન્સ દોડશે, ટ્રાફિકજામ અને સાંકડી ગલીઓ અડચણ નહીં બને

હવે દેશભરમાં ટૂ-વ્હીલર એમ્બ્યુલન્સ દોડશે, ટ્રાફિકજામ અને સાંકડી ગલીઓ અડચણ નહીં બને

નવી દિલ્હી,તા.૪:
દેશમાં સતત વધી રહેલી વસ્તી, ટ્રાફિક જામનું ભારણ અને સાંકડી ટૂંકી ગલીઓમાં મેડિકલ સવિર્સ પહોંચાડવી ખૂબ જ અઘરું બની રહે છે. આ સમસ્યાના નિકાલ માટે હવે કેન્દ્ર સરકારે દેશમાં નવી પહેલ શરૂ કરી છે, સરકાર હવે દેશમાં રોડ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્ર સરકારની જાહેરાત અનુસાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ટુ-વ્હીલર રોડ એમ્બ્યુલન્સ માટે નિયમનકારી માળખું તૈયાર કરવાના હેતુથી સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ૧૯૮૯માં સુધારો કરવા માટે એક ડ્રાફટ જાહેરનામું બહાર પાડ્યું છે. આ ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ ખાસ કરીને ગ્રામીણ, અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં ખૂબ જ ઝડપી ઇમરજન્સી રિસ્પોન્સ અને તબીબી સારવાર પહોંચાડવામાં જીવનરક્ષક સાબિત થઈ શકે છે. જ્યાં પરંપરાગત એમ્બ્યુલન્સ પહોંચવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે, ત્યાં આ વાહનો સરળતાથી મેડિકલ સેવા આપી શકશે.હાલમાં, ટુ-વ્હીલર રોડ એમ્બ્યુલન્સને અલગ વાહન શ્રેણી તરીકે નિયંત્રિત કરવામાં આવતી નથી, જેના કારણે તેમના નિર્માણ, નોંધણી, સુરક્ષા અને ફિટનેસ માટે કોઈ રાષ્ટ્રીય ધોરણો નથી. આ ખામીઓને દૂર કરવા માટે, ૧ ઓક્ટોબર ૨૦૨૭ કે ત્યારપછી નિમિર્ત તમામ L2 શ્રેણીની ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ માટે નવું AIS-૨૦૯ (ભાગ ૧)૨૦૨૬ ધોરણ લાગુ કરવાનો પ્રસ્તાવ છે.