22 વર્ષ બાદ ‘કોફી વિથ કરણ’નો અંત, નવમી સિઝન રહેશે છેલ્લી; કંગનાથી હાર્દિક પંડ્યા સુધીના વિવાદોથી ચર્ચામાં રહ્યો શો
14 ઓક્ટોબરથી JioHotstar પર સ્ટ્રીમ થશે અંતિમ સિઝન; 2004માં શરૂ થયેલા કરણ જોહરના ચેટ શોમાં રેપિડ ફાયર, સેલિબ્રિટી નિવેદનો અને અનેક વિવાદોએ વર્ષો સુધી ખેંચ્યું દર્શકોનું ધ્યાન
મુંબઈ, તા.૧
ફિલ્મમેકર કરણ જોહરનો બહુચર્ચિત સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ હવે 22 વર્ષની સફર બાદ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આપેલી માહિતી પ્રમાણે શોની નવમી સિઝન તેની અંતિમ સિઝન રહેશે અને 14 ઓક્ટોબરથી JioHotstar પર સ્ટ્રીમ થશે. વર્ષ 2004માં શરૂ થયેલા આ શોની અત્યાર સુધી આઠ સિઝન પ્રસારિત થઈ ચૂકી છે અને કુલ 191 એપિસોડ આવ્યા હોવાનું જણાવાયું છે.
કરણ જોહરે અંતિમ સિઝનની જાહેરાત કરતાં શોની લાંબી સફર અંગે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે કેટલીક યાત્રાનો અંત અગાઉથી નક્કી હોતો નથી, પરંતુ એક સમય એવો આવે છે જ્યારે આગળ વધવાનો નિર્ણય લેવો પડે છે. આ જાહેરાત સાથે જ છેલ્લા બે દાયકાથી બોલિવૂડના જાણીતા સેલિબ્રિટી ચેટ શોમાં સ્થાન ધરાવતા ‘કોફી વિથ કરણ’ની સફર હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.
‘કોફી વિથ કરણ’ માત્ર ફિલ્મોના પ્રમોશન કે સેલિબ્રિટી ઇન્ટરવ્યૂ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. શોના રેપિડ ફાયર રાઉન્ડ, કોફી હેમ્પર અને કલાકારોના અંગત તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિવેદનો ઘણી વખત સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બન્યાં હતાં. શોમાં થયેલી અનેક વાતચીત પરથી મીમ્સ બન્યાં તો કેટલાક નિવેદનોને કારણે મોટા વિવાદો પણ સર્જાયા હતા.
શોના સૌથી ચર્ચિત વિવાદોમાં વર્ષ 2019નો હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલનો એપિસોડ સામેલ છે. બંને ભારતીય ક્રિકેટરો ‘કોફી વિથ કરણ’ની છઠ્ઠી સિઝનમાં પહોંચ્યા હતા. એપિસોડ દરમિયાન મહિલાઓ અંગે હાર્દિક પંડ્યાએ કરેલી કેટલીક ટિપ્પણીઓ સામે ભારે વિરોધ થયો હતો.
વિવાદ વધ્યા બાદ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર માફી માગી હતી. મામલો ક્રિકેટ જગત સુધી પહોંચતાં BCCIએ બંને ખેલાડીઓને તપાસ દરમિયાન સસ્પેન્ડ કર્યા હતા અને તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પરત બોલાવવામાં આવ્યા હતા. બાદમાં બંને પર લાગેલો વચગાળાનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અભિનેત્રી અને હવે સાંસદ કંગના રનૌતની વર્ષ 2017માં શોમાં થયેલી હાજરી પણ ‘કોફી વિથ કરણ’ના સૌથી વધુ ચર્ચાયેલા એપિસોડમાં ગણાય છે. પાંચમી સિઝનમાં કંગનાએ કરણ જોહર સામે જ બોલિવૂડમાં નેપોટિઝમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને ‘મૂવી માફિયા’ તથા નેપોટિઝમ સાથે જોડાયેલી ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચેનો જાહેર વાદવિવાદ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો.
કંગનાના નિવેદન બાદ કરણ જોહરે પણ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી અને કંગનાના આરોપો સામે અસહમતિ વ્યક્ત કરી હતી. આ એપિસોડ પછી બોલિવૂડમાં નેપોટિઝમ અને બહારથી આવતા કલાકારોને મળતી તકોનો મુદ્દો વધુ મોટા સ્તરે જાહેર ચર્ચાનો વિષય બન્યો હતો.
વર્ષ 2004માં શરૂ થયેલા ‘કોફી વિથ કરણ’માં વર્ષો દરમિયાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા કલાકારો, ફિલ્મમેકર્સ અને અન્ય જાણીતી હસ્તીઓ મહેમાન તરીકે પહોંચી હતી. શોની ખાસિયત કરણ જોહરની વાતચીતની શૈલી ઉપરાંત મહેમાનોને અંગત અને કારકિર્દી સાથે જોડાયેલા સવાલો પૂછવાની રહી છે.
શો સમયની સાથે ટેલિવિઝનથી ડિજિટલ પ્લેટફોર્મ તરફ પણ આગળ વધ્યો હતો. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતાં તેના ટૂંકા વીડિયો, રેપિડ ફાયર જવાબો અને સેલિબ્રિટીઓના નિવેદનો એપિસોડના પ્રસારણ બાદ પણ લાંબા સમય સુધી ચર્ચામાં રહેતા હતા.
હવે 14 ઓક્ટોબરથી શરૂ થનારી નવમી સિઝન સાથે ‘કોફી વિથ કરણ’ પોતાની 22 વર્ષની સફર પૂર્ણ કરશે. અંતિમ સિઝનમાં કયા સેલિબ્રિટીઓ કરણ જોહર સાથે કોફી કાઉચ પર જોવા મળશે તેના પર પણ દર્શકોની નજર રહેશે.


