ભારતીય અર્થવ્યવસ્થા ઉપર કોરોના મરણતોલ ફટકો મારશે – દેશ મંદીનાં અજગર ભરડામાં ફસાશે

0

નવી દિલ્હી તા. ૨૮ – કોરોનાના મારથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડવાની શકયતા છે. રિસર્ચ એજન્સી ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના રિપોર્ટ મુજબ ૨૧ દિવસના લોકડાઉનથી અનેક સેકટરના ધંધાને માઠી અસર પડી છે. જેમાં રીયલ્ટી, નાણા, બેન્કીંગ, મેન્યુ. અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. એજન્સીના કહેવા મુજબ દેશ મંદીમાં ફસાશે અને અનેક કંપનીઓ નાદાર થાય તેવી શકયતા છે. સમગ્ર વિશ્વ ઉપર મંદીનો ખતરો મંડરાય રહ્યો છે. તેમાં ભારત બચી શકે તેમ નથી. ૨૧ દિવસના લોકડાઉનથી વિકાસદર ઘટશે.
કોરોના વાઇરસનો વધતો પ્રકોપ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે ખતરાની ઘંટડી બની રહ્યો છે. કોરોનાની ભારતીય અર્થતંત્ર ઉપર ગંભીર અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. વિવિધ રિસર્ચ સંસ્થાઓના અભ્યાસ મુજબ ૨૧ દિવસના લોકડાઉનને કારણે ઘણાં સેકટર્સના વેપાર-ઉદ્યોગ પર અત્યંત ખરાબ અસર પડી રહી છે. આ સંજોગોને લઇ આગામી દિવસોમાં દેશમાં મંદીની અસર ગાઢ બનવાની શકયતા છે. ઉપરાંત ઘણી કંપનીઓ માંદી પડવાની પણ ભીતિ છે. મુશ્કેલી ભોગવી રહેલા મુખ્ય સેકટર્સમાં મેન્યુફેકચરિંગ, ઓઇલ, ફાઇનાન્સિયલ સહિત અનેક ક્ષેત્રનો સમાવેશ થાય છે.
એજન્સીઓના તાજેતરના આર્થિક અનુમાન મુજબ, દેશ મંદીનું જોર વધવાની અને કંપનીઓ નાદાર થવાની શકયતા વધી ગઇ છે. સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર મંદીનો ભય વધી ગયો છે. જેનાથી ભારત પોતાને દૂર રાખી શકે તેમ નથી. મુખ્ય અર્થશાસ્ત્રી અરૂણસિંહનું કહેવું છે કે, ચીનની સાથે દેશના અન્યઘણાં મેન્યુફેકચરિંગ હબ્સ લોકડાઉનમાંથી પસાર થઇ રહ્યા છે. લોકડાઉનને કારણે ભારતના વિકાસદરમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં પાંચ ટકાના જૂના અંદાજ કરતા વધુ નીચે જઇ શકે છે. આગામી નવા નાણાકીય વર્ષ માટે વિકાસદરનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. રિપોર્ટ મુજબ, લોકડાઉનને કારણે માર્ચ ૨૦૨૦ પછી વૈશ્વિક અને ઘરેલું વિકાસ દરને અસર થઇ શકે છે. ફેબ્રુઆરી -૨૦૨૦માં ઔદ્યોગિક વિકાસદર ૪થી ૪.૫ ટકા રહેવાનો અંદાજ છે.

error: Content is protected !!