દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વહીવટી અને પોલીસ તંત્રના સંકલન અને નાગરિકોના સહકારથી કોરોનાનો એક પણ કેસ નહીં

કોરોના વાઇરસની મહામારીને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વાઇરસનું સંક્રમણ ન થાય તે માટે લોકડાઉન ની કડક અમલવારી માટે સમગ્ર જિલ્લામાં ૨૦૮૩ પોલીસ કર્મી-ઓફિસર તૈનાત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ કલેકટર નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ કોરોના સંદર્ભે વિવિધ જાહેરનામા સરકારની માર્ગદર્શિકા અનુસાર બહાર પાડવામાં આવ્યા છે તેની અમલવારી લોકડાઉન દરમ્યાન પોલીસ અધીક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ કડકપણે જાહેર હિતમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૧૧ જેટલી ચેકપોસ્ટ ઉપર અવરજવર કરતા નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સંકલનને લીધે જિલ્લામાં સદનસીબે લોક સહકાર વચ્ચે હજુ કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ આવેલ નથી. જિલ્લાના નાગરિકો પણ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે .લોકોને વિવિધ આવશ્યક સેવાઓ મળી રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પોલીસ અધીક્ષક રોહન આનંદે જણાવ્યું હતું કે જિલ્લામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન તેની અમલવારી થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. વારંવાર સૂચના અને માર્ગદર્શન પછી પણ નિયમોનો ભંગ કરવામાં આવે છે ત્યાં કડક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લાની બોર્ડર ઉપર પણ પોલીસ અધિકારીઓને કરવાની થતી કાર્યવાહીનુ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોરોના લોકડાઉનની સાથે સાથે પણ માનવીય અભિગમથી પોલીસ સેવા કરે એ માટે પોલીસ કર્મીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર લોકડાઉન દરમિયાન તા.૨૨ માર્ચ થી ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધીમાં આઇપીસી કલમ ૧૮૮ મુજબ જાહેરનામાનો ભંગ સબબ ૭૭૩ કેસ કરી ૮૮૭ ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ૩ મળી કુલ ૭૭૬ કેસ અને કુલ ૮૯૦ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ લોકડાઉન દરમિયાન ૧૧૨૭ કેસ કરી રૂ.૧૧.૧૮ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનની અમલવારી અને નાગરિકોની આવશ્યક સેવાઓ જળવાઈ રહે તે માટે રાત-દિવસ કામગીરી થઇ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧ ચેકપોસ્ટ જેમાં હર્ષદ લીમડી, રાણપર, કપુરડી, નાયરા ચારકલા, સલાયા ચાર રસ્તા, દલવાડી ત્રણ રસ્તા, ત્રણપાટીયા, ખોડીયાર મંદિર અને સલાયા ખાતે પોલીસનો ૨૪ કલાક કેમ્પ છે. જિલ્લામાં ડી.વાય.એસ પી -૩ ,પીઆઇ -૯,હેડ કોન્સ્ટેબલ, પોલીસ -૫૩૬, રિક્રુટમેન્ટ પોલીસ ૮૧, હોમગાર્ડ -૨૦૪, જીઆરડી ૬૦૩, એસઆરડી ૫૦૩, ટીઆરડી ૭૧, એસઆરપી -૧૨, ફોરેસ્ટના ૨૯ અને અન્ય ૩૨ મળી કુલ ૨૦૮૩ જવાનો કોરોના આ સ્થિતિમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન જિલ્લામાં પોલીસનું અશ્વદળ માઉન્ટેડ યુનિટ પણ ફરજ બજાવી રહ્યું છે અને પ્રોટોકોલ મુજબ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે. બંદોબસ્ત અને પેટ્રોલિંગની આ કામગીરીની સાથે પોલીસ માનવતાના કાર્યો પણ કરી રહી છે. ખંભાળીયા ખાતે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચંદ્રવાડીયાના સંકલન હેઠળ ૨૦૦૦ લોકોનું ભોજન પણ બનાવી જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!