હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ઉલ્લંઘન કરી વહેલી સવારે ઘણા લોકો મોર્નીંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવતા તેઓની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.આઇ. જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી. સોલંકી, પીએસઆઇ વી.કે. ઊંજિયા, એ.કે. પરમાર, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા આશરે ૫૦ જેટલા સ્ટાફના કાફલાએ ૮ જેટલી પોલીસ મોબાઈલ, ૧૪ જેટલા મોટર સાયકલ, સુપર કોપ બાઈક સાથેના કાફલાએ જૂનાગઢ શહેર વિસ્તારના ઝાંઝરડા રોડ, જોષીપરા, મજેવડી ગેઇટ, સુખનાથ ચોક, કડિયાવાડ, ગિરનાર દરવાજા, દાતાર રોડ, વિસ્તારમાં ફલેગ માર્ચનું આયોજન કરી આજુબાજુની સોસાયટીઓમાં બાઈક પેટ્રોલીંગ દ્વારા ચેકીંગ હાથ ધરી, સોસાયટી વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમોને પકડી પાડવાની કાર્યવાહી કરી, ધરપકડ કરી તમામ વિરૂધ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તથા ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી અમુક વિતારમાં ફ્લેગ માર્ચનું સુપરવીઝન કરી આજુબાજુની સોસાયટીમાં ચેકીંગ હાથ ધરી તેમજ મોબાઈલો મેઈન રોડ ઉપર હોલ્ટ કરી મોબાઈલમાં રાખવામાં આવેલ માઇક દ્વારા કલેક્ટરશ્રીના લોકડાઉનના જાહેરનામાની પણ જાહેરાત કરી લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી, જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ગુન્હો બને છે તેવી સુચનાઓ પણ આપી કાર્યવાહી કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.