દોઢ અને સાત વર્ષનાં વ્હાલસોયા સંતાનોને માતૃત્વનાં પ્રેમથી વંચિત રાખી વેરાવળની નર્સે કોરોનાના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી

0

દેશમાં કોરોના મહામારીની સામેની ‘લડત’માં આરોગ્ય કર્મીઓ પ્રથમ હરોળના ‘રક્ષક’ તરીકે ઉભરી આવ્યાં છે ત્યારે વેરાવળ સરકારી હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવી રહેલ એક મહિલા નર્સ ૧૯ દિવસ સુધી બે સંતાનોને માતૃત્વના પ્રેમથી વંચિત રાખી અને પરીવારની જવાબદારીને જીવનસાથીના સહકાર અને પરીવારની હિંમતથી ઉપર રાખી દેશસેવા સમાન પોતાની નર્સ તરીકેની ફરજ નિષ્ઠા બજાવી રહી છે. નર્સની ફરજ નિષ્ઠાની કહાની સાંભળી સૌ કોઇની આંખમાં પાણી આવી જાય તેવી છે.
આ કહાનીની વિગત મુજબ વેરાવળમાં જીલ્લા કક્ષાની સીવીલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે. જેમાં વેરાવળની ગીતાનગર-૨માં રહેતા શ્યામા વતવાની સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમના પતિ વિજયભાઇ શ્યામા બિલ્ડરનો વ્યસવસાય કરે છે. શ્યામાબેનને એક દોઢ વર્ષ અને એક સાત વર્ષનો પુત્ર એમ બે સંતાનો છે તેઓ સાસુ-સસરા સાથે સંયુકત પરીવારમાં રહે છે. દરમ્યાન શ્યામાબેન શ્યામાને ૧૯ દિવસ પૂર્વે આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવવાનો ઓર્ડર થતા તેઓ ચિંતામાં મુકાયા હતા. તેમણે ઘરે તેમના પરીવારજનોને ફરજ મુજબ સરકારની ગાઇડલાઇન્સ અનુસાર જે કોઇ નર્સીગ સ્ટાફ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવે તેને ફરજના દિવસો ઉપરાંત વધારાના ૧૪ દિવસ સુધી પરીવાર-બાળકોથી દુર કોરેન્ટાંઇનમાં રહેવું પડે તેવી ચિંતા જણાવી હતી. ત્યારે મા-બાપ સમાન સાસુ-સસરા અને પતિએ શ્યાઇમાબેન શ્યામાને બાળકો કે પરીવારની ચિંતા કર્યા વગર દેશસેવા રૂપી ફરજ નિભાવવા હિંમત આપી હતી. જેથી શ્યામાબેન શ્યામાએ સતત સાત દિવસ સુધી આઇસોલેશન વોર્ડમાં કોરોનાના બે પોઝીટીવ દર્દી વચ્ચે ફરજ બજાવી હોવાથી હજુ સુધી હોમ કોરોન્ટાઇનમાં એક જ છત નીચે બાળકો અને પરીવારથી દુર રહી રહયા છે.
ત્યારે કઇ રીતે ફરજ નિભાવી અને કોરોન્ટાઇનમાં રહેવાના લીધે શું મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે તેની હળવા હૈયે વાતચીત કરતા શ્યામાબેન શ્યામા જણાવે છે કે, તેઓ હોસ્પિટલથી ડયુટી પુરી કરી ઘર નજીક પહોંચે છે તે પૂર્વે તેમના પતિને ફોન કરી બાળકોને ઘરથી દુર લઈ જવા જણાવે છે. ત્યારે તેમના પતિ તેમના દોઢ વર્ષ અને સાત વર્ષના બંન્ને બાળકોને ઘરની બહાર શેરીમાં લઇ જાય છે. ત્યારબાદ તેઓ બાળકોથી નજર છુપાવતાં ઘરમાં પ્રવેશ કરી સીધા પહેલા માળે તેમના રૂમમાં ચાલ્યા જાય છે અને ઘરના કોઈપણ સભ્યોને મળતા પણ નથી. તેઓને જમવાનું તેમના રૂમની બહાર તેમના પતિ મુકી જાય પછી તે વાસણો તેમના રૂમમાં પોતે જ સાફ કરે છે અને ફરી બીજા દિવસે એ જ વાસણોમાં જમે છે. આમ એક જ ઘરમાં એક જ છત નીચે પરીવાર સાથે પણ પરીવારથી વિખુટા રહે છે. આ નિત્યક્રમ છેલ્લા ૧૯ દિવસથી અવિરત ચાલી રહ્યો છે.

error: Content is protected !!