લોકડાઉનમાં અટવાયેલ અનેક શ્રમિકો રાશન બચાવવા માત્ર એક જ વખત થોડું ભોજન લે છે : રિપોર્ટ

વિવિધ સંશોધકો અને શિક્ષણવિદોના એક ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલમાં લોકડાઉનના કારણે દેશભરમાં હિજરતી શ્રમિકોની કફોડી હાલત પ્રકાશમાં લાવવામાં આવી છે. સ્ટ્રેન્ડેડ વર્કર્સ એક્શન નેટવર્ક (સ્વાન) નામના ગ્રુપ દ્વારા દેશભરમાંથી ૧૧૦૦૦ કરતાં વધુ કામદારોના સંકટ સમયના કોલ્સ આવ્યાં હતા. આ અહેવાલમાં એવા સમાચાર રિપોર્ટને સમર્થન આપવામાં આવ્યું છે કે કેન્દ્ર અને અન્ય વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ એવા અસંખ્ય હિજરતી શ્રમિકો છે કે જેમને રાંધેલો ખોરાક અથવા કાચું રેશન મળતું નથી. સ્વાનના અહેવાલમાં સૌથી ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે અડધા ભાગના શ્રમિકોએ જણાવ્યું હતું કે હવે એકાદ દિવસમાં તેમનું રેશન ખૂટી જશે. જ્યારે ૭૧ ટકાએ એવું જણાવ્યું હતું કે બે દિવસ કરતા ઓછા સમયમાં તેમનું રેશન ખલાસ થઇ જશે. કેટલાક કામદારોએ એવું જણાવ્યું હતું કે તેઓ સાવ ઓછું ખાઇને પોતાનું રેશન બચાવી રહ્યાં છે. બેંગ્લુરૂના ૨૪૦ કામદારોના એક સમૂહે એવું જણાવ્યું હતું કે તેઓ દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરે છે અને બાકીનો સમય ભૂખ્યા રહે છે. ૯૬ ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેમને સરકારી એજન્સીઓ તરફથી કોઇ રેશન મળ્યું નથી. ૭૦ ટકા કામદારોએ જણાવ્યું હતું કે તેમને સરકાર કે સખાવતી સંસ્થાઓ તરફથી કોઇ રાંધેલ ભોજન પ્રાપ્ત થતું નથી. ઉત્તરપ્રદેશમાં શ્રમિકોની હાલત સૌથી વધુ કફોડી છે. દિલ્હી કરતાં હરિયાણામાં સ્થિતિ વધુ સારી છે.

error: Content is protected !!