માંગરોળમાં ડમ્પીંગનો પ્રશ્ન શિરદર્દ સમાન, લોકોમાં ભારે વિરોધ

માંગરોળ શહેરના કચરાના ડમ્પિંગનો પ્રશ્ન નગરપાલિકા માટે શિરદર્દ સમાન બન્યો છે. કચરાના નિકાલ માટે નક્કી કરાયેલી અનેક જગ્યાએ ઉઠેલા વિરોધ બાદ ઘન કચરો ઠાલવવા જીલ્લા કલેકટરે મકતુપુરના દરીયાકાંઠે જમીન ફાળવી છે. ત્યારે અહીં પણ આજુબાજુના ખેડુતો, ગ્રામજનોએ આરોગ્ય અને ખેતીની જમીન સહિતના મુદ્દે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે હવે ન્યાયિક લડતના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરમાંથી દરરોજ ટનના હિસાબે એકત્ર થતો કચરો શરૂઆતમાં શાપુર રોડ, ત્યારબાદ બંદર વિસ્તારમાં ઠલવાતો હતો. પરંતુ માખી-મચ્છરોનો ઉપદ્રવ, મરેલા ઢોર, કતલ કરાયેલા મૃત પશુઓના હાડકા, અવશેષો તેમજ કચરો સળગાવતા ઉતપન્ન થતા ધુમાડાને લીધે લોકોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા જોખમથી ભારે વિરોધ ઉઠયો હતો. ત્યારબાદ નજીકના ચોટીલીવીડી, કરમદી ચિંગરીયા સહિતના ગામોમાં કચરાના ડમ્પિંગ માટે જગ્યા ફાળવતા ગ્રામજનોએ વાંધો ઉઠાવી સખ્ત વિરોધ દર્શાવ્યો હતો. પરિણામે આ જગ્યા રદ કરાઈ હતી. ત્યારબાદ હાલમાં કચરો ઠાલવવા જિલ્લા કલેકટરે મકતુપુરના દરીયાકાંઠાના આત્રી વિસ્તારમાં અંદાજીત ૩ હેકટર સરકારી પડતર જમીન ફાળવી છે. ત્યારે મકતુપુર અને રહીજ ગામના સિમાડે આવેલી આ જગ્યાની નજીક આવેલા ધાર્મિક સ્થાનકો, પશુપાલકોની વસ્તી, કચરાની દુર્ગંધ, ગ્રામજનોના સ્વાસ્થ્ય સહિતના મુદ્દે બંને ગામોના સરપંચોએ આ જમીન ન ફાળવવા કલેકટર, મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
દરમ્યાન વિવાદના એંધાણ વચ્ચે આજે સવારે પોલીસ બંદોબસ્ત અને જેસીબીની મદદથી આ જગ્યાએથી કાંટાળા બાવળો દુર કરવા નગરપાલિકા તંત્ર પહોંચ્યુ હતું પરંતુ અગાઉથી જ મોટી સંખ્યામાં આજુબાજુના ખેડુતો, આગેવાનો ઉપસ્થિત હતા. આગેવાનોએ ચિફ ઓફિસર પરબતભાઈ ચાવડા સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત માટે હજુ સમય આપવાનું જણાવતા તેઓએ બે દિવસ માટે કાર્યવાહી મૂલતવી રાખી હતી. પરિણામે હાલ પુરતો વિવાદ ટળ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!