પહેલા ધોવો હાથ, પછી કરો વાત. કોરોના સંક્રમણને ખાળવા વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું, અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.આ બાબતને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લાના ૯૦ ગામોમાં હેન્ડ વોશિંગ સ્ટેશન બનાવાશે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જિલ્લાના દરેક તાલુકા દીઠ ૧૦ ગામની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોની પસંદગીમાં ૫ હજાર થી વધુ વસ્તી ધરાવતા ૨૫ ગામ લેવામાં આવ્યા છે. ત્યારબાદ ૩ હજારથી વધુ વસ્તી ધરાવતા અને સામુહિક શૌચાલયની સવલતવાળા ગામો લેવાયા છે. જ્યાં લોકોની વધુ અવરજવર થતી હોય તેવી જગ્યાએ આ હેન્ડ વોશિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. કોરોના વાયરસની હાલની સ્થિતિમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ સંકલ્પ સાથે સરકાર દ્વારા સમગ્ર રાજ્ય અને દેશને કોરોના મુક્ત કરવાની દિશામાં સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં હેન્ડ વોશિંગ સ્ટેશન તૈયાર કરવાની આ એક નવી પહેલ છે. સૌરાષ્ટ્રના ગામડામાં પાણીનું પરબ તો અચૂક જોવા મળે છે. પરંતુ હવે કોરોનાની સ્થિતિમાં દરેક ગામમાં પાણીના પરબ સાથે હેન્ડ વોશિંગ સ્ટેશનની પણ જરૂરિયાત રહેશે. જેનાથી ગામમાં પ્રવેશતા જ હાથ ધોઈને કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાય છે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ તબક્કે ૯૦ ગામમાં હેન્ડ વોશિંગ સ્ટેશન તૈયાર થયા બાદ આવનારા સમયમાં તબક્કાવાર બાકી રહેલા ગામોને પણ આવરી લેવા પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી તથા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર.જે.જાડેજાના માર્ગદર્શન તળે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews