Thursday, January 21

આજે દેવશયની એકાદશી, ભગવાનની ભક્તિમાં લીન બનવા ચાતુર્માસનો પ્રારંભ

આજે અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી અને કારતક સુદ એકાદશી જેને દેવઉઠી એકાદશી (દેવદિવાળી) કહેવાય આટલાં સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આજના દિવસે અષાઢ સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ પોઢે (શયન કરે) છે તેથી આ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ત્યારબાદ ભાદરવા સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવાય અને કારતક સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ જાગે, જાગૃત થાય છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ ચાર માસ દરમ્યાન વૈષ્ણવો, ભગવાનના ભક્તો નકોરડા ઉપવાસ, પુજન અર્ચન, ધ્યાન ધારણા, એકટાણાં વગેરે વ્રત કરી ભગવાનની ભક્તિ કરતાં હોય છે, ભગવાનના ભક્તો આ બધું ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. અષાઢ સુદ એકાદશીથી ભક્તો, વૈષ્ણવો ધ્યાન, ધારણા, સ્તોત્ર, મંત્ર, સ્તુતિ, પ્રાર્થના, મંત્ર જાપ અને તપ વગેરે પ્રવૃત્તિઓ અને વિવિધ વિધિ વિધાન લોકો શ્રધ્ધાપૂર્વક ઇશ્વરની ઉપાસના કરે છે. આવી ભક્તિ દ્વારા ભગવાનને શોધવા અને પામવા તેમજ જાગૃત કરવા (ભગવાનનું ધ્યાન પોતાના તરફ ખેંચવા), ભગવાનનો સાક્ષાત્કાર કરી સાક્ષાત્સંબંધ(બ્રહ્મસંબંધ) પામવા માટે આ ચાર મહિના દરમ્યાન વૈષ્ણવો ભક્તો ભગવાનનું ભજન સંકિર્તન કરતા હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે એ અનુસાર ભગવાનના ભક્તો અને સંતપુરૂષો અનેક નિયમ ધારણ કરી ભગવાન વિષ્ણુની ઉપાસના કરતા હોય છે. ‘શરીર માધ્યમ ખલ્લુ ધર્મ સાધનમ્‌ (શ્રીમદ્‌ ભગવદ ગીતા)’ આ વાક્ય પ્રમાણે શરીર સાધન છે, સાધ્ય સુધી પહોંચવા માટે અને આયુર્વેદમાં પણ શરીરને આધ્યાત્મિક સાધનાનું મહત્વનું સાધન માન્યું છે. એટલે સમગ્ર વર્ષ દરમ્યાન સાધના કરવામાં આવે છે, ઋતુ પ્રમાણે સાધનાની સાથે શરીનના સ્વાસ્થ્યની પણ સંભાળ લેવા આયુર્વેદમાં વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો છે. આમ, આરોગ્યની દ્રષ્ટિએ પણ ચાતુર્માસ દરમ્યાન ઉપવાસ, એકટાણાં વગેરે વ્રત કરવાથી આરોગ્ય પણ સારૂં જળવાઇ રહે છે. વળી ચાતુર્માસના સમયગાળા દરમ્યાન અનેક તહેવારો આવે છે. જેમાં ગુરૂપૂર્ણિમા, જયાપાર્વતી વ્રત,એવરત જીવરત વ્રત, હિંડોળા ઉત્સવ, બળેવ, રક્ષાબંધન, નાગપંચમી, શિતળા સાતમ, જન્માષ્ટમી પર્વ, પવિત્રા એકાદશી, ભાદરવી અમાસ, ગણેશ ચતુર્થી,જલઝીલણી એકાદશી, શ્રાધ્ધ પક્ષ, શારદીય નવરાત્રી મહોત્સવ, દશેરા શરદપૂર્ણિમા, અને દિવાળીના તહેવારો જેમાં ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ વગેરે હિન્દુ ધર્મના તહેવારો આ ચાતુર્માસના સમયગાળા દરમ્યાન આવે છે.આ ઉપરાંત જૈન ધર્મના અનેક તહેવારો જેમાં પર્યુષણ મહાપર્વ, આયંબિલ ઓળી, મહાવીર નિર્વાણ દિન, જ્ઞાન પંચમી વગેરે આવે છે. આમ, આ સમયગાળા દરમ્યાન ભગવાનના પરમ ભક્તો, વૈષ્ણવો અને સંતપુરૂષો ભગવાનની ભક્તિમાં લીન બની જાય છે. વળી આ ચાતુર્માસના સમયગાળાને શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!