ગીર સોમનાથ જીલ્લામાં ત્રીજા દિવસે સાર્વત્રીક અડધોથી અઢી ઇંચ વરસાદ

0

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે ત્રીજા દિવસે અવિરત મેઘસવારીથી જીલ્લાના છ તાલુકામાં ગઈકાલે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં વધુ અડધોથી અઢી ઇંચ જેવો સાર્વત્રીક વરસાદ વરસેલ હતો. જીલ્લામાં ત્રણેક દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે જૂનાગઢ-વેરાવળ અને સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે બિસ્માર બની જતા ખાડા માર્ગ બની ગયેલ છે. પ્રથમ વરસાદમાં જ નેશનલ હાઇવેના રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. તો તંત્રએ મરામત કે કોઇ વૈકલ્પીક રસ્તાની વ્યવસ્થા ન કરી હોવાથી સોમનાથ-કોડીનાર વચ્ચે પ્રાંચી નજીક આવેલ સરસ્વતી નદી ઉપરનો જર્જરીત બની ગયેલ જોખમી પુલ ઉપરથી જીવના જોખમે વાહનોનું પરીવહન અવિરત ચાલુ છે. ગીર સોમનાથ જીલ્લામાં અને ગીર જંગલમાં ત્રણ દિવસથી મનમુકીને મેઘરાજા હેત વરસાવી રહેલ હોવાથી નદી-નાળાઓમાં વરસાદી પાણીની ભરપુર આવક જોવા મળી રહી છે. જેના લીધે ગીર સોમનાથ જીલ્લામાં આવેલ મોટાભાગની નદીઓ બે કાંઠે ઘસમસતી વહી રહી છે. ત્યારે ભગવાન સોમનાથના સાંનિÎયે આવેલ હિરણ, કપીલા અને સરસ્વતી ત્રણ નદીઓનો સંગમ જે સ્થળે થાય છે તે ત્રીવેણી સંગમઘાટ ત્રણેય નદીઓના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ભરપુર વરસાદી પાણીની આવકના લીધે હિરણ, કપીલા અને સરસ્વતી ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી હતી. આ ત્રણેય નદીઓનું પાણી ત્રીવેણી સંગમઘાટ એકત્ર થતુ હોવાથી ઘાટ પાણીમાં ગરકાવ થયાનું અદભુત દ્રશ્ય જોવા મળતુ હતું. આ ઉપરાંત કોડીનારના મઠ ગામેથી પસાર થતી સોમેત નદી બે કાંઠે વહી રહેલ છે. સોમેત નદીમાં પુર આવેલ છે અને મઠથી પાણી મુળ દ્વારકાના સમુદ્રમાં વહી રહેલ છે. આ સોમેત નદી સુત્રાપાડા અને ગીરના ગામોમાંથી પસાર થતા હજારો ખેડુતોની જીવાદોરી સમાન છે. તો નદીમાં પુરના પગલે તે વિસ્તારના ખેતરો પણ બેટમાં ફેરવાય ગયા છે. ગીર-સોમનાથ જીલ્લાના જળાસયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થયેલ છે જેમાં રાવલ ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવેલ છે જયારે છેલ્લા ચોવીસ કલાકમાં હીરણ-૧ માં ૧પ૪ મી.મી. (છ ઇંચ), હીરણ-ર માં ૯૯ મી.મી. (ચાર ઇંચ), શિંગોડામાં ૧પ૭ મી.મી. (સવા છ ઇંચ), મચ્છુન્દ્રીમાં ૧૬પ મી.મી. (સાડા ચાર ઇંચ), રાવલમાં ૧૦૭ મી.મી. (ચાર ઇંચ) વરસાદ પડેલ છે. આમ જીલ્લામાં અનેક નાના ડેમો ઓવરફલો થયેલ છે. જીલ્લાના છ તાલુકામાં સાર્વત્રીક વરસાદ વરસેલ છે. ગઈકાલે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં વેરાવળમાં ર૮ મીમી (એક ઇંચ), સુત્રાપાડામાં ૧પ મીમી (અડધો ઇંચ), તાલાલામાં ૧૬ મીમી (અડધો ઇંચ), કોડીનારમાં ર૬ મીમી (એક ઇંચ), ગીરગઢડામાં ૬૧ મીમી (સવા બે ઇંચ), ઉનામાં ૧૦ મીમી (અડધો ઇંચ) વરસાદ વરસેલ છે. ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહેલ છે અને સમુદ્રમાં તોફાની મોજા સાથે હાઇટાઇડ હોવાથી માચ્છીમારો દરીયો ન ખેડવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!