વેરાવળ-સોમનાથમાં પાલીકાની પ્રીમોન્સુન કામગીરી કાગળ ઉપર થઇ હોવાનું સાબિત કરતા મેઘરાજા

0

વેરાવળ-સોમનાથમાં ત્રણ દિવસથી પડી રહેલ ધીમીધારનાં વરસાદે જ પાલીકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળી રહયા છે. જોડીયા શહેરમાં ચૌતરફ ઉભરાયેલી ગટરો અને ગંદકીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી સોશ્યલ મીડીયામાં પાલીકાના સતાધીશો ઉપર રોષ ઠાલવતા જોવા મળે છે. હાલ જોડીયા શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણીથી ભરેલ ખાડાઓ, રસ્તાઓ ઉપર ફેલાયેલ ગંદકીઓના કારણે લોકોને ચાલીને નિકળવું મુશ્કેલ બન્યુ છે તો વાહનોમાં નિકળતા સમયે અકસ્માતનો સતત ભય સતાવે છે. વેરાવળ-પ્રભાસ પાટણ શહેરમાં આવી બદતર પરિસ્થિતિ હોવા છતાં એક પણ વિસ્તારમાં પ્રજાએ ચુંટેલા જનપ્રતિનિધિઓ ન દેખાતા હોવાથી લોકોમાં તેઓ ઉપર અંદરખાને રોષ ભભુકી રહયો છે.
વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં ધીમીધારે એક-બે ઇંચ વરસાદ વરસે ત્યારે જ મુખ્ય બજારો એવી સુભાષ રોડ, સટાબજાર, લોહાણા હોસ્પીપટલ રોડ, એસટી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, પાલીકા કચેરી રોડ, નવદુર્ગા રોડ, સીવીલ હોસ્પીટલ, રીંગ રોડ, કોમ્યુનીટી હોલ રીંગ રોડ સહિતના અનેક માર્ગો ઉપર ગોઠણડુબ પાણી ભરાઈ જવાની મોટી સમસ્યાથી લોકો મુશ્કેલી અનુભવે છે. વરસાદી માહોલમાં લોકોને બજારોમાં કામકાજ અર્થે કે પછી મંદિર-હવેલીમાં દર્શનાર્થે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો વેરાવળ શહેરની મધ્યમાં તપેશ્વર રોડ ઉપર વરસાદી પાણીના નિકાલના અભાવે ભરાયેલ ગટરનું ગંદું પાણી દુઃખદ્રરીદ્ર ભંજન મહાદેવ મંદિરમાં શિવલીંગ સુધી પહોંચી જતા મંદિરે દર્શનાર્થે આવતા શિવભકતો પાલીકા તંત્રના શાસકો-અધિકારીઓ સામે રોષ વ્યકત કરતા નજરે પડતા હતા. આ રોડ ઉપર દર વર્ષે સામાન્ય એવા વરસાદમાં પાણી ભરાતુ હોય જે અંગે સ્થાનીકોએ અનેકવાર ફરીયાદ કરી હોવા છતાં પાલીકા તંત્ર સમસ્યાનો નિકાલ કરી શકયુ નથી. જયારે પ્રભાસપાટણમાં વરસાદ વરસે ત્યારે પાણી ભરાવવા કરતા ગટર ઉભરાવવાની મોટી સમસ્યા છે જેના કારણે મુખ્ય બજાર, રાખરાખ ચોક, પઠાણવાડા સહિતના અનેક વિસ્તારો-સોસાયટીઓમાં ઉભરાતી ગટરો અને તેના લીધે ફેલાયેલ ગંદકીથી સ્થાનીકો ત્રાહીમામ પોકારી ગયા છે. જોડીયા શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર વરસાદ વરસ્યા બાદ ઉભરાયેલ ગટરોના કારણે ફેલાયેલ ગંદકી લાંબો સમય સુધી દુર કે સાફ ન કરાતી હોવાથી લોકોને ચાલીને નિકળતા સમયે ફરજીયાત મોં ઉપર રૂમાલ રાખીને પસાર થવું પડે છે. તો એસટી રોડ, પાલીકા કચેરી રોડ જેવા અમુક મુખ્ય માર્ગો ઉપર પાલીકાના અધિકારીઓએ માર્ગો બનાવવા સમયે પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન કરેલ હોવાથી લાંબો સમય સુધી આવા માર્ગોની બંન્ને બાજુ પાણી ભરાયેલુ રહેતુ હોય જે રાહદારીઓ માટે મુશ્કેલી સર્જે છે. આમ, જોડીયા શહેરમાં ચોમાસાની સીઝનના પ્રથમ વરસાદે જ પાલીકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેવો નજારો ઠેર-ઠેર જોવા મળે છે. તો બીજી તરફ પાલીકાના અધિકારીઓ બચાવ કરતા જણાવે છે કે, જોડીયા શહેરમાં પ્રીમોન્સુન કામગીરી અંર્તગત રૂ. પાંચ લાખનો ખર્ચ કરાયો છે, ઉપરાંત ૬૦૦ મીટર જેટલી ગટરોની તળીયા ઝાટક સફાઇ કરાવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જીલ્લાનું મથક એવું વેરાવળ-સોમનાથ જોડીયા શહેર જાણે નધીયાણું હોય તેવો અહેસાસ લોકો કરી રહયા છે. અધિકારીઓથી લઇ જનપ્રતિનિધિઓને જાણે જોડીયા શહેરની સ્થિતિ સુધારવા કે સમસ્યા હલ કરવામાં રસ ન હોય તેમ કયારેય કોઇ જનપ્રતિનિધિ કે જીલ્લાનો હવાલો ધરાવતા સરકારી તંત્રના ઉચ્ચ અઘિકારીઓએ પણ રસ લઇ કોઇ કામગીરી કરાવી હોય તેવું કયાંય જોવા મળ્યું નથી. આ વાતને ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જોડીયા શહેરની વર્તમાન બદતર સ્થિતિએ સાબીતી આપી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે, જોડીયા શહેરની બદતર સ્થિતિ સુધારવા પ્રજાના પૈસે તાગડધીના કરી એસી કારોમાં ફરતા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓનું જમીર કયારે જાગશે ? આવું ચાલશે તો લોકો સફાઈ કર નહી, હાઉસટેક્ષ નહી ભરી ના કરની લડત ઝુંબેશ શરૂ કરશે તેમ લોકો જણાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!