જૂનાગઢ શહેરનાં રસ્તાઓથી હવે તો જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને તોબા..તોબા..ની ફરીયાદો સર્વત્રથી ઉઠી રહી છે. આડેધડ રસ્તાઓનાં ખોદકામને કારણે આ રસ્તાઓની હાલત કોરોનાનાં દર્દીઓની માફક દિવસે-દિવસે બગડી રહી છે. આવી હાલતનો સુધારો કયારે આવશે તેનો કોઈ અંદાજ નથી. સંબંધિત તંત્ર દ્વારા રસ્તા સારા બનાવવા, પેચ વર્ક કરવા કે પેવર રોડથી મઢી દેવાની મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ સરવાળે લોકોને કયારેય પ્રાથમિક સુવિધાનું સુખ જૂનાગઢની જનતા ભોગવી શકતી નથી. હિંદુ શાસ્ત્રમાં એક પ્રચલિત વાતો છે કે જે લોકોનો શુક્ર ગ્રહ પાવરફુલ હોય તે લોકોને તમામ પ્રકારનાં સુખ મળતાં હોય છે ત્યારે જૂનાગઢ શહેરની કુંડળીમાં શુક્ર ગ્રહ શું પાવરફુલ નહીં હોય ? અને આ શહેરનાં લોકોને પ્રાથમિક સુવિધાનું કાયમને માટે દુઃખ રહે છે તેવું તો નહીં હોય ને તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં એક તરફ સારા વરસાદને પગલે આનંદની લાગણી ઉભરી ઉઠી હતી. તો બીજી તરફ દે..ધના..ધન.. વરસાદનાં કારણે રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતાં. ભર ચોમાસાનાં આ દિવસોમાં સાંજના ૬ થી ૮ દરમ્યાન ધોધમાર વરસાદ વચ્ચે લોકોને માર્ગો ઉપરથી પ્રસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અત્યંત મુશ્કેલ જેવી સ્થિતી રહી હતી. આ દરમ્યાન રેલ્વે સ્ટેશનથી લઈ કાળવા ચોક, જવાહર રોડ, વૈભવ ફાટક, મોતીબાગ વિસ્તાર, આઝાદ ચોક, બસ સ્ટેશન રોડ, તળાવ દરવાજા રોડ, દાતાર રોડ, જયશ્રી રોડ, મધુરમ સહિતનાં તમામ માર્ગો ઉપર ગોઠણડુબ પાણી ભરાયા હતા. આવા ગોઠણડુબ પાણી વચ્ચે વાહન ચાલકને નીકળવું ખાસ કરીને ટુ વ્હીલ લઈને નીકળવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. એક તરફ વરસાદ અને બીજી તરફ જૂનાગઢ શહેરનાં તમામ માર્ગોમાં જાણે હરીફાઈ હોય તે રીતે રસ્તાઓને જુદી-જુદી કંપનીઓએ ખોદી કાઢેલ છે તેની માથે સમારકામ પુરેપુરૂં અને ટકાઉ રીપેરીંગ કરવામાં આવ્યું નથી અને તેનાં કારણે ભારે વરસાદ થતાં જ સમારકામનાં કથિત થીંગડા મારવામાં આવ્યા હતાં તે બહાર નીકળી ગયાં છે. રસ્તા ઉપર રેતી, પથ્થર, કોંક્રેટનાં ઢગલાં નીકળી ગયાં છે અને આવી સ્થિતીમાં વાહન ચાલકનો ખોં નીકળી જાય છે. જૂનાગઢ શહેરમાં વિકાસકામોની નેતાઓની બુલબાંગો ખુલી પડી ગઈ છે. કહે છે કે આ સોરઠ શહેરનો વિકાસ અમારૂં સ્વપ્ન છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ પાયાની સુવિધા એવા લાઈટ, પાણી, રસ્તાની, ગટરની, કચરાની, ગંદીકીની મુશ્કેલી આ શહેરને કાયમી રહે છે. સાતમ-આઠમનાં તહેવારો બાદ, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો પણ નજીકમાં આવી રહ્યાં છે ત્યારે મહાનગરપાલિકાનાં સંબંધિત સતાધીશોને અને કોર્પોરેશનનાં પદાધિકારીઓને ભગવાન સદ્બુધ્ધિ આપે તો સારા અને ટકાઉ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરે તેવી લાગણી અને માંગણી આમ જનતામાં પ્રવર્તી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews