Thursday, January 21

શાપુર ખાતે આવેલા ધન્વંતરી પરિવાર ટ્રસ્ટમાં ઘરનાજ ઘાતકી ?

જૂનાગઢની ભાગોળે આવેલ શાપુર ગામના પાદરમાં આયુર્વેદ સારવાર અને લોકહિત માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટમાં આલિયા-માલીયા-જમાલિયાઓને બેસાડી દઈ પોતાનું ધાર્યું કરવા મથતા ટ્રસ્ટીઓ સામે ભૂતકાળમાં સ્થાનિકોમાંથી ફરિયાદો ઉઠી હતી. ટ્રસ્ટના સ્થાપક રવજી બાપાના નિધન બાદ અમુક ટ્રસ્ટીઓની ટીમ સક્રિય થઈ ટ્રસ્ટના હિસાબોથી લઈ નવા ટ્રસ્ટીઓની નિમણુંકમાં ગોલમાલ આચરી હતી. જેનાથી નારાજ સ્થાનિકો આગળના સમયમાં ટ્રસ્ટને નુકશાન કરતા ટ્રસ્ટીઓએ સામે હવે કાનૂની કાર્યવાહીનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોમાંથી જાણવા મળ્યું હતું કે આપણા ઉત્તમ શાસ્ત્ર આયુર્વેદને નામે ચરી ખાવા નીકળેલા કહેવાતા ટ્રસ્ટીઓ રવજી બાપાએ સંસ્થા માટે પોતાનું સર્વસ્વ ખપાવી ઉભી કરેલી આ સંસ્થા નામશેષ કરવામાંથી રહ્યા છે પરંતુ આગામી સમયમાં આવા તત્વોને કાયદાનું ભાન આ સંસ્થાના હિતેચ્છુઓ કરાવશે. જૂનાગઢના જાણીતા ઉદ્યોૈગપતી અને જાગૃત નાગરિક એવા તુષારભાઈ સોજીત્રા દ્વારા લાંબા સમય પહેલા જૂનાગઢમાં શાપુર ગામે આવેલા ધન્વંતરી પરિવાર ટ્રસ્ટના જવાબદાર લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬, ૪૦૯ તેમજ ૪૨૦ તેમજ ૪૬૭ તેમજ ૪૬૮ હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવા માટે ડીએસપીને સંબોધીને અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ આ તપાસ વંથલી પોલીસ સ્ટેશનમાં શરૂ થતા તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સમક્ષ ફરિયાદી તુષારભાઈ સોજીત્રાએ આધાર પુરાવા સહિત નિવેદન આપેલ હતું અને તેમાં જણાવેલ કે ટ્રસ્ટના રેકોર્ડમાં મંત્રી તેમજ સહમંત્રીની બાબતમાં ચેકચાક થયેલ છે તેમજ સહ જેવો શબ્દ ઉંમેરી અને હકીકતમાં મંત્રી હતા. તેમની જગ્યાએ સહમંત્રી જેવો શબ્દ ઉમેરી રેકોર્ડ સાથે ચેડા કરેલ હતા તેમજ તારીખ ૦૩.૦૭.૨૦૧૮ના રોજ એક મિટીંગમાં કુલ છ ટ્રસ્ટીઓની નિમણુંક પામેલ હતા. જેમાં શૈલેષભાઈ લાગણોજા, બટુકભાઈ મહેતા, ભારતીબેન બાબરીયા તેમજ અન્ય લોકો હંગામી ટ્રસ્ટી તરીકે નિમણુંક પામેલ હોવા છતાં આજ તારીખ અને આ જ સમયે બીજો ઠરાવ બનાવી અને હકીકતમાં મિટિંગમાં નક્કી થયેલા ટ્રસ્ટીઓની જગ્યાએ અન્ય લોકોને હંગામી ટ્રસ્ટી તરીકે બતાવી અને ચેરીટીમાં ખોટા ઠરાવો બનાવી અને રજુ કરેલ હતો. બંને ઠરાવમાં તારીખ અને એક જ સમય હોય અને બંને ઠરાવમાં ટ્રસ્ટીઓની નિમણુંક અલગ અલગ હોય અને મિટિંગમાં થયેલ ઠરાવ સાથે ચેક-ચાક કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ થયેલ હતી. ઉપરાંત ફરિયાદીએ ટ્રસ્ટનું આજીવન લવાજમ તેમજ વાર્ષિક લવાજમની રકમ લઇ અને ટ્રસ્ટ દ્વારા માસિક બુક બંધ કરી અને કાયદા મુજબ ટ્રસ્ટની જે આજીવન સભ્યોની ફી હોય તે ફિક્સ ડિપોઝીટ તરીકે રાખવાનું હોય તે યોગ્ય પ્રમાણે રાખેલ ના હોવાનું પણ ફરીયાદીને ધ્યાનમાં આવેલ અને આજીવન લવાજમ આપનારા લોકોને પણ સામયિક પહોંચાવાનું બંધ કરી અને જવાબદારો એ આવા લોકો સાથે પણ વિશ્વાસઘાત કરેલ છે આવી ફરિયાદ પણ કરેલ છે. ફરિયાદી દ્વારા ઉપરોક્ત હકીકત અંગે ગુનો બનતો હોય તો પોલીસ દ્વારા ફરિયાદી બની અને સત્વરે જવાબદારો સામે ગુનો દાખલ કરવો જોઈએ જે બાબતે હજુ સુધી ગુનો દાખલ થયેલ ન હોય જેથી સત્વરે ગુનો દાખલ કરવા ફરિયાદી તુષારભાઈ સોજીત્રાએ જૂનાગઢ ડી.એસ.પી.ને વધુ એક લેખિત અરજી કરેલ છે અને તાકીદ કરેલ છે કે જો દિવસ ૧૫માં જો ગુનો દાખલ નહીં કરો તો હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે અથવા તો અન્ય કાનૂની રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી જાણ કરતાં જવાબદારો ભીનું સંકેલવાની વેતરણ આચરી રહ્યા હોવાનું પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!