રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે સ્થાનિક કક્ષાએ ખાનગી હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરી ધારાધોરણ પ્રમાણે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તિઓની સારવાર કરવાની મંજુરી આપવામાં આવી છે. જીલ્લા મથકે અને કોરોના સંક્રમણ વધારે હોય તેવા વિસ્તારમાં ખાનગી ડોકટરોને આદેશ કરી સરકારી દવાખાનામાં માનદ વેતન સાથે સેવા લેવામાં આવી રહી છે. કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબોને જીલ્લા મથકે સેવા આપવા જવું ન પડે અને પોતાની ખાનગી હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવી ન પડે એટલે કેશોદમાં માંદગીનાં ખાટલે પડેલી હોસ્પિટલની જગ્યા દર્શાવી કેશોદના આઠેક ખાનગી તબીબો દ્વારા સરકારમાં થી આરોગ્ય વિભાગને સાથે રાખી કોવીડ-૧૯ હોસ્પિટલની મંજુરી મેળવી છે. કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં દર્દીઓની સારવાર કરવા માટે શીફટ નક્કી કરવામાં આવેલ છે. કેશોદના ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા કોવીડ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ પરત ફરીને પોતાની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા ઉપરાંત સારવાર આપી રહ્યા છે. કેશોદ શહેરમાં ખાનગી હોસ્પિટલના આઠેક તબીબો દ્વારા નિયમિત પોતાની ખાનગી હોસ્પિટલમાં અંદાજે ત્રણસોથી વધારે દર્દીઓ તપાસવામાં આવે છે ત્યારે નિયમિત રીતે અનેક વ્યક્તિઓનાં સંપર્કમાં કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો આવે છે ત્યારે સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાવાની સંભાવના વર્તાય છે. કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને લેબોરેટરીમાં તપાસ કરતાં કર્મચારીઓ પણ પોતાની નોકરી પુરી કરી હોમ કવોરન્ટાઈન રહેવાને બદલે જાહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે જેઓને કોઈ રોકવાવાળું કે ટોકવાવાળું નથી. કેશોદમાં આવેલ કોવીડ-૧૯ હોસ્પિટલ રહેણાંક વિસ્તારમાં આવેલી હોય અને આસપાસના વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો તેમજ ઓફિસો આવેલી છે. આ તમામ ધંધા રોજગારનાં સ્થળો ચાલુ જ હોય છે. તબીબી વિભાગના જાણકારી ધરાવતાં તબીબો અને પરિચારિકાઓ, લેબ ટેકનીશ્યન અન્ય કર્મચારીઓ પોતાની સાવધાની રાખવાની દરકાર લેતાં હશે પરંતુ આ લોકોનાં સંપર્કમાં આવતાં વ્યક્તિઓ સંક્રમણથી કોરોના મહામારીમાં સપડાઈને હેરાન પરેશાન થવાની પુરેપુરી સંભાવના છે. કોવીડ હોસ્પિટલની દેખરેખ રાખવા બનાવવામાં આવેલ સમિતિની જાણે મીલીભગત હોય એમ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. કેશોદના ખાનગી તબીબો દ્વારા કોવીડ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ પોતાની ખાનગી હોસ્પિટલમાં ઓપીડી ચલાવતાં હોય નિયમિત ચેકઅપ માં જતાં અન્ય બિમારીઓથી ત્રસ્ત દર્દીઓમાં ભય ફેલાયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેશોદની કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો,પરિચારિકાઓ, લેબ ટેકનીશ્યનો અને અન્ય કર્મચારીઓને ફરજીયાત હોમ કવોરન્ટાઈન કરવા જોઈએ અને આસપાસના વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવો જોઈએ એવી લોકમાંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews