યાત્રાધામ જોડીયા નગરી સોમનાથ-વેરાવળને જોડતા લાંબા સમયથી અતિ બિસ્માર બની ગયેલ મુખ્ય રાજય ધોરીમાર્ગની રૂા.૫.૫૦ કરોડના ખર્ચે મરામતની કામગીરી બે માસથી કાગળ ઉપર ચાલતી હોવાથી લોકો મુશ્કેલી સહન કરી રહયા છે. તો બીજી તરફ એક માસથી અધ્ધરતાલ ટુંકાગાળાના કરોડોના માર્ગના રીપેરીંગ કામમાંથી મલાઈ તારવી લેવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ ગોઠવણ માટે સક્રીય બની હવાતિયાં મારતા હોવાથી મરામતનું કામ ટલ્લે ચડયુ હોવાનું નગરપાલીકા વર્તુળમાં જોરશોરથી ચર્ચાઈ રહયુ છે. વેરાવળના મુખ્ય પ્રવેશદ્વારથી શહેરમાંથી પસાર થઇ યાત્રાધામ સોમનાથને જોડતા મુખ્ય રાજય ધોરી માર્ગ બે માસ પૂર્વે પાલીકા તંત્રને સુપ્રત કરાયો હતો. આ મુખ્ય માર્ગ જોડીયા શહેરનો જોડતો હોવાથી દરરોજ એકાદ લાખ લોકો આવન-જાવન કરે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બનેલ ઉબડ-ખાબડ આ મુખ્ય માર્ગ ઉપરથી સતત ઉડતી ધુળની ડમરીઓથી ચાલકો અને શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં જવાબદાર તંત્ર હજુ પણ આ મુખ્ય માર્ગને રીપેર કરવા કાગળ ઉપર જ ગોકળગતીએ કાર્યવાહી કરી રહ્યું હોવાથી કંટાળેલા શહેરીજનોમાંથી માર્ગને વહેલીતકે રીપેર કરવાની માંગ ઉઠી છે. આ બિસ્માર માર્ગની મરામત માટે રૂા.૫.પ૦ કરોડના ખર્ચે મરામત કરવા ટુંકી મુદતનું ટેન્ડર બહાર પાડી કારોબારીમાં મંજુર કરી દીઘેલ પરંતુ વહીવટી મંજુરીના વાંકે આ કામગીરી હજુ પણ કાગળમાં જ અટવાઈ પડી છે. જો કે, આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી આ માર્ગની મરામત કામગીરી એજન્સીને ૪૫ દિવસમાં જ પૂર્ણ કરવાની રહેશે અન્યથા મોડું કરવા બદલ પ્રતિ દિવસની રૂા.એક લાખની પેનલ્ટી વસુલવાની આકરી શરત ટેન્ડરમાં રાખી છે. વહીવટી મંજુરી આવ્યા બાદ તુરંત કામગીરી શરૂ થશે તેવું પાલીકાએ જણાવેલ છે. અત્રે નોંધનીય છે કે, ભુતકાળમાં પાલીકા હસ્તક થયેલા પેવર બ્લોક-સીસીના રસ્તાઓના અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની છાશવારે ફરીયાદો ઉઠતી રહી છે. જેમાં ક્યાંકને ક્યાંક સતાધારી પાર્ટીના જ સંગઠનના અને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવા પાછળ ભુંડી ભૂમિકા ભજવતા હોવાની ચર્ચાઓ ઉઠે છે. જો કે, આ રીપેરીંગના કામનું ટેન્ડર ખુલી ગયાને દસ દિવસ વિતી ગયા હોવા છતા વહીવટી મંજુરીના વાંકે કરોડોનું કામ અટવાઈ પડ્યું છે. જે વહેલી તકે રસ્તાનું કામ ચાલુ થાય અને પાલિકા તંત્ર વાતો નહીં ટેન્ડરની શરતો મુજબ કામગીરી કરાવે તેવી લોકો અપેક્ષાઓ રાખી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews