ગીર સોમનાથ જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

0

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ ખરીફ સીઝનમાં રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં આજ તા.૨૬ ઓક્ટોબરથી ૯૦ દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. પ્રતિ કવિન્ટલે રૂા.૫૨૭૫ અને પ્રતિ મણના રૂા.૧૦૫૫ ટેકાના ભાવેથી મગફળીની રાજ્યભરમાં ખરીદી કરવામાં આવનાર છે. વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડખાતે ર ખરીદ સેન્ટર, તાલાળા માર્કેટીંગ યાર્ડ ખાતે ૧ ખરીદ સેન્ટર, સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ ખાતે ૨ ખરીદ સેન્ટર, કોડીનાર તાલુકાના બિલશ્વર સુગર ફેકટરી ખાતે ૨ ખરીદ સેન્ટર, ઉના એ.પી.એમ.સી.સેન્ટર ખાતે ૧ ખરીદ સેન્ટર અને ગીરગઢડા તાલુકાના ૧ ખરીદ સેન્ટર સહિત જિલ્લામાં કુલ ૯ ખરીદ સેન્ટર ખાતેથી મગફળીની ખરીદી કરવામાં આવશે. દરેક મગફળી ખરીદી સેન્ટર ઉપર વહીવટીતંત્ર દ્વારા વિડિયોગ્રાફી અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તારીખ, સમયથી જાણ કર્યા બાદ ખેડૂતોએ નોંધણી સ્લીપ સાથે મગફળી ખરીદ સેન્ટર ઉપર લાવવાની રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું વાવેતર ૧,૦૩,૫૦૦ હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં ૨૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિને અનુરૂપ સરકારની વખતોવખતની સુચનાઓ અનુસાર સામાજીક અંતર જળવાઈ રહે તે મુજબ જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. ટેકાના ભાવે મગફળી વેચાણ અંગે ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય તો જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલરૂમ/હેલ્પલાઈન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૬૩ ઉપર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!