જામખંભાળિયામાં સસ્તા અનાજનો વિશાળ જથ્થો ઝડપાયો : ત્રણ શખ્સોની અટકાયત

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં ગેરકાયદેસર મનાતા સસ્તા અનાજના ઘઉં તથા ચોખાના વિશાળ જથ્થા સાથે અહીંના ડીવાયએસપી તથા સ્ટાફે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧૧.૭૬ લાખનો મુદ્દામાલ હાલ કબજે લઇ, વિવિધ દિશામાં તપાસ આરંભી છે. આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના સલાયા માર્ગ ઉપર રિલાયન્સ સર્કલ પાસે રવિવારે રાત્રીના આશરે સાડા નવ વાગ્યે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના રત્નાભાઈ કોડિયાતર તથા ઓમદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ હાઈવે માર્ગ ઉપરથી સસ્તા અનાજની દુકાનનો ઘઉં તથા ચોખાનો શંકાસ્પદ જથ્થો જઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા આ અંગે પોલીસ દ્વારા સલાયા તરફથી આવી રહેલી એક આર્ટિકા તથા બે અલ્ટો મોટરકારને અટકાવી તેનું ચેકિંગ કર્યું હતું. રાત્રીના આશરે દસેક વાગ્યે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ત્રણ મોટરકારમાંથી સસ્તા અનાજનો મનાતો ઘઉં તથા ચોખાનો મોટા પ્રમાણમાં જથ્થો પોલીસને સાંપડયો હતો. આ અંગે પોલીસ દ્વારા ત્રણેય મોટરકાર ચાલકને અટકાવી અને સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જી.જે. ૩૬ એફ. ૦૨૨૨ નંબરના આર્ટિકા કારના ચાલક અત્રે યોગેશ્વરનગરમાં રહેતા નિલેશ ભરતભાઈ દત્તાણી (ઉ.વ. ૩૩) ની પૂછપરછ સાથે કારમાં ચેકિંગ કરતા આ મોટરકારમાંથી રૂપિયા ૩૬૦૦ની કિંમતના ચોખાના ત્રણ બાચકા તથા ૪૨૦૦ની કિંમતના ઘઉંના સાત બાચકા મળી આવ્યા હતા. આ સાથે પોલીસે રૂપિયા સાત લાખની કિંમતની આર્ટિકા મોટરકાર સાથે નિલેશ ભરતભાઈ દત્તાણીની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક અલ્ટો મોટરકાર નંબર જી.જે. ૧૦ એસી. ૮૨૯૯ના ચાલક અત્રે યોગેશ્વરનગરમાં રહેતા વિરેન હસમુખભાઇ ઉનડકટ (ઉ.વ. ૩૦)ની પૂછપરછમાં આ મોટરકારમાંથી રૂા. ૩૬૦૦ની કિંમતના ચોખાના ચાર બાચકા તથા રૂપિયા ૧૩૫૦ની કિંમતના ઘઉંના ત્રણ બાચકા ઉપરાંત રૂપિયા એક લાખની અલ્ટો મોટરકાર પોલીસે કબજે કરી હતી. આ ઉપરાંત અન્ય એક અલ્ટો મોટરકાર નંબર જી.જે. ૦૩ એચએ ૫૪૩૪ માંથી પણ રૂપિયા ૭૫૦૦ની કિંમતના ચોખાના પાંચ બાચકા તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના ઘઉંના ચાર બાચકા ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની અલ્ટો મોટરકાર પણ કબજે કરી, પોલીસે કાર ચાલક અત્રે બેઠક રોડ ઉપર રહેતા આશિષ રતિલાલ તન્ના (ઉ. વ. ૩૦)ની અટકાયત કરી હતી. ઝડપાયેલા આ શખ્સોની વધુ પૂછતાછમાં તેઓએ જણાવેલ કે અત્રે હરસિદ્ધિનગર વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રશાંત બાબુલાલ રાયચુરા તથા નવલ પાલાભાઇ ગઢવીએ ભાગીદારીમાં ધંધો કરી આ સિવાયનો ઘઉં તથા ચોખાનો જથ્થો નજીકની એક દુકાનમાં વેંચવા માટે રાખેલ હોવાનું જણાવતા પોલીસ દ્વારા માર્કેટીંગ યાર્ડની બહાર આવેલી એક દુકાનમાં ચેકીંગ કરી, તેમાંથી પણ ચોખાના ૬૩ મોટા બાચકા તથા ૨૪ નાના બાચકા મળી કુલ રૂપિયા ૧,૦૬,૬૫૦ની કિંમતના ૧૭૭.૭૫ મણ ચોખાનો જથ્થો હાલ કબજે કર્યો છે. આ ઉપરાંત આ સ્થળેથી ઘઉંના પર મોટા બાચકા તથા ૨૪ નાના બાચકા મળી કુલ રૂપિયા ૪૫,૯૦૦ની કિંમતના ૧૫૩ મણ ઘઉંનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. આમ, પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ચેકિંગ કાર્યવાહીમાં ત્રણેય શખ્સો પાસેથી શંકાસ્પદ સરકારી સસ્તા અનાજની દુકાનનો મનાતો રૂપિયા ૧,૨૧,૩૫૦ની કિંમતનો ૨૦૨.૫૦ મણ ચોખા તથા રૂા.૫૪,૪૫૦ની કિંમતનો ૧૮૧.૫૦ મણ ઘઉંનો જથ્થો ઉપરાંત રૂપિયા દસ લાખની કિંમતની ત્રણ મોટરકાર મળી કુલ રૂપિયા ૧૧,૭૫,૮૦૦નો મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ શકપડતી મિલકત તરીકે કબજે કર્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી દુકાનમાંથી મળી આવેલા ઘઉં તથા ચોખાનો જથ્થો તપાસ અર્થે આ જ દુકાનમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ત્રણેય શખ્સો સામે સીઆરપીસી કલમ ૪૧ ડી મુજબ ધોરણસર અટક કરી, આગળની તપાસ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવી છે. સસ્તા અનાજના ગરીબોને આપવામાં આવતા ઘઉં તથા ચોખાનો આ જથ્થો પગ કરીને ખૂલ્લી બજારમાં કઈ રીતે આવ્યો, તે મુદ્દે પોલીસ તથા પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણે ભારે દોડધામ સાથે ચકચાર પ્રસરાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!