દેશના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરતી આંતરરાજ્ય “સાંસી” ગેંગ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ઝડપાઈ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા સમયગાળા દરમ્યાન ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ એલસીબી પોલીસને વ્યાપક પ્રમાણમાં ચોરી અંગેના ગુના સાથે સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે. અહીંની એલસીબી પોલીસે ત્રણ શખ્સો તથા એક કિશોરને રૂપિયા પોણા સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો દેશના જુદા જુદા વિસ્તારોમાં ૨૮ જેટલી ચોરીની કબુલાત આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આજથી એક માસ પહેલા તા.૧ર નવેમ્બરના રોજ એક બેન્કમાંથી રોકડ રકમ ઉપાડીને જઈ રહેલા એક આસામીની નજર ચૂકવીને રોકડ રકમ ભરેલી થેલીની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાની સુચના મુજબ એલસીબી વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ આહીર અને ભરતભાઇ ચાવડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે શનીવારે બપોરે ભાણવડના ત્રણ પાટીયાના શિવા ગામ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી જી.જે. ૩ એચ.એ. ૯૨૮૮ નંબરની એક વેગનઆર મોટરકારને અટકાવી એલસીબી સ્ટાફે ચેકિંગ કરતા આ મોટરકારમાં પસાર થતા ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતા તેમની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આ શખ્સોએ ભાણવડમાં રોકડ રકમની ચોરી સહિતના જિલ્લામાં થયેલા ગુનાઓની કબુલાત કરી હતી. ઝડપાયેલા શખ્સો મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના રાજગઢ જિલ્લાના પચોરે તાલુકાના રહીશ એવા સન્ની હરિપ્રસાદ જગન્નાથ સાંસી (સિસોદિયા) (ઉ. વ. ૨૮), ઉપરાંત આ જ વિસ્તારના રહીશ એવા પરસોતમ ઉર્ફે પ્રશાંત ઉર્ફે જુહી બાલકિશન જગદીશ સાંસી (સિસોદિયા) (ઉ. વ. ૨૫) ઉપરાંત મૂળ રાજકોટના રહીશ અને હાલ રાજગઢ જિલ્લાના પચોરે ખાતે જ રહેતા કીર્તિ હેમરાજભાઈ રાયચુરા (ઉ.વ. ૫૮) નામના ત્રણ શખ્સો ઉપરાંત અન્ય એક કાયદાથી સંઘર્ષીત કિશોરની અટકાયત કરી હતી. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ર,૦૯,૦૦૦/- રોકડા તથા રૂા.ર,૧૦,૨૭૭/-ની કિંમતના સોના ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીના, રૂપિયા ૭,૫૦૦ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા અઢી લાખની કિંમતની વેગન-આર કાર મળી, કુલ રૂપિયા ૬,૭૬,૭૭૭ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપી કીર્તિભાઈ રાયચુરા અગાઉ ખંભાળિયા લાંબો સમય રહી ચૂક્યા હોવાનું તથા પરપ્રાંતીય તસ્કર ગેંગને ગુજરાતી ભાષા તથા રોડ- રસ્તા સહિતની બાબતે માર્ગદર્શન આપવાની ભૂમિકા તેમણે ભજવી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા ભાણવડ ઉપરાંત રાજકોટ, રાજપીપળા, વડોદરા સહિતના ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વિગેરે વિસ્તારોમાં કરેલી કુલ ૨૮ ચોરીની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. આરોપી શખ્સો જે-તે સ્થળે જઈ, બેંક નજીકથી પસાર થતાં વ્યક્તિઓની નજર ચૂકવીને રોકડ રકમ સેરવી લેવા ઉપરાંત પર્સની ચોરી, લગ્ન પ્રસંગમાં જઇ અને હાથ ફેરો કરવા જેવા ગુનાઓ આચરવા માહિર હોવાનું ઉપરાંત ઝડપાયેલા સંઘર્ષીત કિશોર સામે પણ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સ્થળોએ ગુના નોંધાયા છે. આંતરરાજ્યની કુખ્યાત આ “સાંસી” ગેંગના સભ્યો ટીમ દ્વારા ભર બજારમાં ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરવા તેમજ ગુનો આચરવા બાળ આરોપી તથા સ્ત્રીઓને પણ સાથે રાખતા હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે. ઝડપાયેલા આ આરોપીઓનો કબજાે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેમના દ્વારા રિમાન્ડ સહિતની કાર્યવાહીમાં વધુ કેટલીક બાબતો ઉપર પ્રકાશ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે ગુજરાત રાજ્ય ઉપરાંત આંતરરાજ્યના આશરે ૨૮ જેટલા ગુનાઓ આચરનારી આ ગેંગને ઝડપી લેવા માટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. જે.એમ. ચાવડા, ભાણવડના પી.એસ.આઇ. જે.જી. સોલંકી તથા સ્ટાફના બીપીનભાઈ જાેગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, દેવશીભાઈ ગોજીયા, મશરીભાઇ આહિર, વિપુલભાઈ ડાંગર, સહદેવસિંહ જાડેજા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અરજણભાઈ મારૂ, બલભદ્રસિંહ ગોહિલ, ભરતભાઇ ચાવડા, જેસલસિંહ જાડેજા, બોઘાભાઈ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!