વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકા આજે તા.૧૯ મી જાન્યુઆરીએ ૨૦૨૧ના રોજ ૭૧ વર્ષ પુરા કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે ભવ્ય ભુતકાળ સાથે કંગાળ વર્તમાનનો અહેસાસ કરતા શહેરીજનો આજે પણ પૂર્ણ પ્રાથમીક સુવિધા માટે ઝંખી રહયા હોવાના કારણે બહારગામથી આવતા લોકો ગામડીયુ શહેર હોવાની ઉપમા આપી રહયા છે. એક સમયએ વિશ્વમાં વેપાર ક્ષેત્રે પ્રખ્યાત વેરાવળ-સોમનાથ જાેડીયુ શહેર ભવ્ય સોનેરી ભુતકાળ ધરાવતુ હોવાની સાથે વર્તમાનમાં દિશાવહીન શાસનના કારણે પછાતપણ તરફ ધકેલાય ગયુ છે. આજે પણ જાેડીયુ શહેર એટલી બધી વિશેષતા ધરાવે છે કે, જાે સરકાર અને નગરપાલીકા તંત્ર આયોજનબધ્ધ રીતે વાસ્તવીક નકકર કામગીરી કરે તો જાેડીયા શહેરમાં પ્રાથમીક સુવિધા પરીપૂર્ણ થઇ શકવાની સાથે સાથે ટુરીઝમ વિકસાવી વેપારક્ષેત્રમાં ફરી અવ્વલ આવી શકે તેમ છે. તા.૧૯ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ વેરાવળ શહેર સુધરાઇની રચના થયેલ તે સમયે શહેરના ૪ ચો.કી.મી. વિસ્તારમાં વસતા ૪૦ હજાર જેટલા શહેરીજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડવાની જવાબદારી નગરપાલીકાના શીરે હતી. ત્યારબાદ સને૧૯૬૫માં નજીકની પ્રભાસપાટણ સુધરાઇનો વેરાવળમાં સમાવીષ્ટ કરતા વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા અસ્તીત્વમાં આવેલ અને ૮ ચો.કી.મી. વિસ્તારમાં વસતા ૭૦ હજાર શહેરીજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડવાની જવાબદારી સંયુકત નગરપાલીકાની હતી. આજે તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૧ સાત દાયકાની સફર બાદ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા ૭૨ વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આજની સ્થિતિએ નગરપાલીકાનાં ૨૭ ચો.કી.મી. વિસ્તારમાં વસેલા ૨ લાખ શહેરીજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડવાની જવાબદારી નગરપાલીકાની છે. જે નગરપાલીકા પરીપૂર્ણ કરવામાં નિષ્ફળ જતી હોવાનો અહેસાસ શહેરીજનો કરી રહયા છે. નગરપાલીકાના સ્થાપના દિન અંગે શિક્ષક રસેશ જાેષીએ જણાવેલ કે, નગરપાલિકાની સ્થાપના થયાને સાત સાત દાયકાઓ વિતી ગયા હોવા છતાં આજે વેરાવળ શહેરની હાલત એક મેટ્રો વિલેજ જેવી છે. રસ્તા, પીવાનું પાણી, લાઈટ, ગટર વગેરે જેવી પાયાની સુવિધાઓની બાબતમાં શહેર ઠેરનું ઠેર છે. અહીં કામ નથી થતું એવું કહેવાનો આશય બિલકુલ નથી પણ જે ગતિએ આગળ વધવું જાેઈએ, વેરાવળ શહેર જેવું હોવું જાેઈએ એવું તો નથી જ. સૌ કોઇએ એ વિચારવાનું કે શા માટે કોઈ વેરાવળમાં રહેવા નથી માંગતું, શા માટે શહેરમાંથી ધીમેધીમે લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે ? પક્ષાપક્ષીના સંકુચિત રાજકારણથી ઉપર ઉઠીને શહેરને વધુ બહેતર બનાવવાના ઉપાયો હજુ પણ સૌ કોઇએ શોધવાના બાકી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews