વેરાવળના લાટીમાંથી બે દિવસમાં બે માદા મોર મૃત અને ચાર બિમાર સ્થિતિમાં મળી આવ્યાં

0

વેરાવળ નજીકના લાટી ગામે બે દિવસમાં બે માદા મોર મૃત હાલતમાં તથા ચાર માદા મોર અશકત બિમાર હાલતમાં મળતા ચકચાર પ્રસરી છે. જાે કે, મોરના શંકાસ્પદ મોતના પગલે બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જૂનાગઢ લેબોરેટરી ખાતે મોકલાવતા વન અધિકારીઓએ કામગીરી હાથ ધરી છે. જાે કે પીએમ રીપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. તાજેતરમાં સોરઠમાં બર્ડ ફલુનો પ્રથમ કેસ નોંધાયા બાદ વધી રહેલા ખતરા વચ્ચે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના દરીયાકાંઠે આવેલા લાટી ગામમાં એક ગ્રામજનના રહેણાંક મકાનના વાડામાંથી એક માદા મોર મૃત હાલતમાં તથા અન્ય
બે અશકત બિમાર માદા મોર નજીકના વિસ્તારમાં હોવાની જાણ વન વિભાગને કરાઇ હતી. જેના પગલ ફોરેસ્ટર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી જઇ ત્રણેય માદા મોરનો કબ્જાે લઇ તપાસ શરૂ કરી હતી. મૃત મળી આવેલા માદા મોરના મૃતદેહને પીએમ અર્થે પ્રથમ અમરાપુર એનીમલ સેન્ટર ખાતે ત્યારબાદ જૂનાગઢ લેબોરેટરી ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન ફરી ગઈકાલે સવારે લાટી ગામના રામદેવજી મંદિર આસપાસના વિસ્તારમાંથી એક માદા મોર મૃત હાલતમાં અને બે માદા મોર બિમાર અવસ્થામાં મળી આવ્યા હતા. જે અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વનકર્મી સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી ત્રણેયનો કબ્જાે લઇ તપાસ હાથ ધરી હતી.
આ અંગે ફોરેસ્ટર કે.કે. જાેષીએ જણાવેલ કે, લાટી ગામમાંથી મૃત મળી આવેલ માદા મોરનું નાળીયેરી ઉપરથી અકસ્માતે પડી જવાથી મૃત્યું નિપજયુ હોવાનું પ્રાથમીક તપાસમાં જણાય રહેલ છે. જયારે ગઈકાલે મૃત મળી આવેલ બીજા માદા મોરનું કંઇ અખાદ્ય પદાર્થ ખાવાથી મોત થયાનું જણાય રહેલ છે. આ સાથે બે દિવસમાં લાટી ગામમાંથી ચાર માદા મોર અશકત બિમાર સ્થિતિમાં પણ મળી આવેલ છે. જેથી મૃત મળી આવેલા બંન્ને માદા મોરના મોતનું કારણ જાણવા પીએમ અર્થે જૂનાગઢ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ છે. જયાંથી રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી રાજયમાં ઠેર ઠેર અબોલ પક્ષીઓ મૃત હાલતમાં મળવાનો સીલસીલો શરૂ થયો છે. તેની સાથે બર્ડ ફલુનો પ્રથમ કેસ જૂનાગઢના બાંટવામાં નોંધાયો છે તેવા સમયે સોમનાથ જીલ્લાના લાટી ગામે બે દિવસમાં બે માદા મોર મૃત હાલતમાં મળતા ચકચાર પ્રસરી છે. હાલ તો વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

error: Content is protected !!