કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ર૦રર સુધીમાં દેશભરમાંથી ૧ લાખથી વધુ રેલવે ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. થલતેજ-શીલજ-રાંચરડા ચાર રસ્તા ઉપર ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ બ્રિજના નિર્માણમાં સૌ પ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણમાં ૧૦પ૦ ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વ્યકિતગતથી માંડી સામુદાયિક એમ તમામ ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. વધતી વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં વ્યાપક ક્ષેત્રમાં માળખાકિય વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ રાજય સરકારે પ્રો-એકિટવ અભિગમથી લીધો છે. દેશમાં ગુજરાત રાજય કેન્દ્રીય યોજનાઓનો લાભ લેવામાં અગ્રક્રમે છે તેના મૂળમાં ગુજરાત સરકારનો લોક વિકાસ માટેનો સકારાત્મક અભિગમ રહેલો છે. તેમણે કહ્યું કે, દેશમાં ગયા ડિસેમ્બર માસમાં વીજળીની ખપત અત્યાર સુધીમાં સૌથી વધુ થઈ છે તેનો અર્થ એ છે કે દેશનું અર્થતંત્ર ફરીથી ધબકતું થયું છે. વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી દેશમાં કોરોના અંતની શરૂઆત કરી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન ઉપર રોજની ૧૦૦ ટ્રેન પસાર થાય છે. તેના કારણે ઘણા બધા માનવ કલાકો તથા ઈંધણનો વપરાશ થતો હતો. આ વિસ્તાર પણ છેલ્લા ૧પ વર્ષમાં ખુબ ઝડપથી વિકસ્યો છે જેથી ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હતી, પરંતુ આ ઓવરબ્રિજના નિર્માણથી આ બધી સમસ્યાઓનો અંત આવશે. તેમણે કહ્યું કે, રાજય સરકાર દ્વારા જેરીતે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેના કારણે ઉદ્યોગ, ધંધા, સેવા એમ તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે. શહેરમાં છેલ્લા દોઢ દાયકામાં નવી માનવ વસાહતો સ્થપાઈ છે ત્યારે તેમની જરૂરિયાતને પહોંચી વળવા પાણી, રસ્તા, ગટર વ્યવસ્થા સહિતની માળખાકીય જરૂરિયાતો પણ વધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews