સિંહોની સ્થિતિનું કારણ બતાવી મેંદરડાનાં આરએફઓની બદલી રદ થતાં અનેક તર્ક- વિતર્કો ઉઠયાં

0

ગુજરાતનાં ૪૩ આરએફઓની હેડ ઓફીસ ફોેરસ્ટ દ્વારા ગત તા.૧૩ જાન્યુઆરીના રોજ બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમાં ગીરમાં ફરજ બજાવતા ઘણાં આરએફઓની બદલીઓ પણ થઈ હતી. પરંતુ ગીર પશ્ચિમના ડીસીએફ દ્વારા ગીરના સિંહોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને એકમાત્ર મેંદરડાના આરએફઓની બદલી રદ કરવા સરકારમાં દરખાસ્ત કરતા અનેક સવાલો ઉઠયા છે કે ગીરમાં સિંહોની કેવી સ્થિતિ હશે ? જેમાં એકમાત્ર મેંદરડાના આરએફઓની બદલી રદ થતાં અનેક શંકાઓ સાથે ચર્ચાઓ શરૂ થઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ૪૩ આરએફઓના થયેલ બદલીના ઓર્ડર મુજબ મેંદરડાના આરએફઓ શૈલેશ ખાંભલાની ગીર બહાર માણાવદર સામાજીક વનીકરણ વિભાગમાં બદલી થઈ હતી. જયારે માણાવદરના આરએફઓ અશ્વિન ચાવડાની મેંદરડા (ડેડકડી) રેંજમાં બદલી થઈ હતી અને બંનેને તાત્કાલીક બદલીના સ્થળે હાજર થવાના હુકમ મુજબ એક બીજા બદલીનાં સ્થળે હાજર પણ થઈ ગયા હતા. પરંતુ હેડ ઓફ ફોરેસ્ટ દ્વારા ગત ૧૩ જાન્યુઆરીના રોજ બદલીના કરવામાં આવેલા હુકમ સામે ગીર પશ્ચિમના ડીસીએફ દ્વારા તેમના ડીવીઝનનાં અન્ય બદલી થયેલા આરએફઓમાંથી એકમાત્ર મેંદરડાના આરએફઓની ગીરના સિંહોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બદલી રદ કરવા દરખાસ્ત કરી હતી. ગીર પશ્ચિમના ડીસીઅફ ગીરના સિંહોની સ્થિતિ અંગેની દરખાસ્ત સામે અનેક સવાલો ઉઠયા છે જેમાં ગીરના સિંહોમાં એવી તો શું મુશ્કેલી પડી કે અન્ય આરએફઓની બદલી સામે કંઈ પણ દરખાસ્ત ન કરી અને માત્ર મેંદરડાના આરએફઓની બદલી અંગે સિંહોને વચ્ચે રાખી દરખાસ્ત કરવી પડી ? હકીકતે સિંહો કોઈ મુશ્કેલીમાં છે ? જાે મુશ્કેલીમાં હોય તો શું બદલી થઈ પરત આવી ગયેલ આરએફઓ મુશ્કેલી દુર કરી શકશે ? મેંદરડા આરએફઓની જગ્યાએ આવેલ આરએફઓ ગીરમાં નોકરી કરી સારો એવો અનુભવ પણ ધરાવતા હતા તો તે સિંહોની પરિસ્થિતિ અંગે શું ન સમજી શકે ? આ ઉપરાંત ગીરમાંથી ઘણા આરએફઓની બદલીઓ થઈ તો ત્યાં સિંહોની પરિસ્થિતિ અંગે કંઈ વાંધો ન આવ્યો આવા અનેક સવાલો ઉઠી રહયા છે. હેડ ઓફ ફોરેસ્ટરના બદલીના હુકમ સામે વન અને પર્યાવરણ વિભાગના સંયુકત સચિવે જી.જે. દવેએ મેંદરડા આરએફઓની ધગીરના સિંહોની પરિસ્થિતિ અંગેનું કારણ આપી બદલીનો હુકમ રદ કરતા અનેક સવાલો ઉઠયા છે. આ અંગે આગામી દિવસોમાં પ્રકૃતિ અને સિંહ પ્રેમીઓ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની પણ તૈયારીઓ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. મેંદરડા બદલી થઈ આવેલ નવા આરએફઓએ ચાર્જ સંભાળી લીધો હતો અને હવે ફરી જુના આરએફઓએ ચાર્જ સંભાળી લેતાં સમગ્ર ગુજરાતભરના વન વિભાગમાં સવાલો ઉઠી રહયા છે. આમ ફરી એકવાર ગીર પશ્ચિમ ડિવિઝન વિવાદોમાં સપડાય તો નવાઈ નહીં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!