ગતીશીલ સરકારના અધિકારીઓ પાંચ વર્ષમાં પૌરાણીક સોમનાથ સરોવરના વિકાસકામનું આયોજન ન કરી શકયા ?

0

પાંચ વર્ષ પૂર્વે ૨૬મી જાન્યુઆરીના રોજ રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ગીર સોમનાથ જીલ્લાવાસીઓને ભેટ આપવાની સાથે જીલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સોમનાથની ભૂમિ ઉપરથી પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોમનાથ સાંનિઘ્યે રૂા.૪૦ કરોડના ખર્ચે સોમનાથ સરોવર વિકસાવવાની જાહેરાત કરી હતી. જાે કે, ગતીશીલ સરકારના ગતીશીલ વહીવટની ધુરા સંભાળતા અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષમાં સરોવર વિકસાવવાનું કામ શરૂ કરાવવાનું તો દુર પરંતુ માત્ર આયોજન પણ ન કરી શકયા હોવાથી થોડા સમય પૂર્વે રાજય સરકારે સરોવરની રૂા.૪૦ કરોડની ગ્રાન્ટ ગીર સોમનાથ જીલ્લા કલેકટર પાસેથી પરત લઇ લીધી છે. જાેગાનુંજાેગ પાંચ વર્ષ બાદ ફરી આજ ૨૬મી જાન્યુઆરીના દિવસે રાજયના વર્તમાન પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સોમનાથ જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વના ધ્વજવંદન કાર્યક્રમ માટે આવ્યા છે. ત્યારે પ્રવાસનની રાજય સરકારે પરત લઇ લીધેલી રૂા.૪૦ કરોડની ગ્રાન્ટ પરત અપાવી કામ શરૂ કરાવે તેવી લોક લાગણી ઉઠી છે.
વેરાવળ-સોમનાથ રોડ ઉપર સેન્ટ મેરી સ્કુલની પાછળ ૧૫ વિઘા જેટલી વિશાળ જગ્યામાં પૌરાણીક સોમનાથ સરોવર આવેલ છે. ઇતિહાસમાં સોમનાથ સરોવરની નોંધ સાથે ઉલ્લેત છે પરંતુ જાળવણીના અભાવે સોમનાથ સરોવર બદતર સ્થિતિમાં ફેરવાય ગયુ હતું. આ સરોવરને વિકસાવી નવું ફરવાલયક સ્થળ ઉભું કરવા અંગે લાંબા સમયથી શહેરીજનો માંગણી કરી રહયા હતા. જેને ૨૬મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અર્થે સોમનાથ પધારેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રૂા.૪૦ કરોડના ખર્ચે સોમનાથ સરોવર વિકસાવવાની જાહેરાત કરી હતી. રાજય સરકારે જાહેરાતના બે-એક માસમાં જ રૂા.૪૦ કરોડની ગ્રાન્ટ ગીર સોમનાથ જીલ્લા કલેકટરને ફાળવી દીધી હતી. ત્યારથી લઇને આજદીન એટલે કે પાંચ વર્ષના સમયગાળામાં એક પણ જીલ્લા કલેકટર સોમનાથ સરોવર વિકસાવવાની ફાઇલ આગળ ધપાવી શકયા નથી. પાંચ વર્ષમાં સરોવરની ફાઇલ જીલ્લા કલેકટર અને પીડબ્લુયડી વિભાગ વચ્ચે હરતી ફરતી હતી. પાંચ વર્ષમાં આયોજન ન થયેલ હોવાથી બેએક માસ પૂર્વે સરોવરની રૂા.૪૦ કરોડની ગ્રાન્ટ ગીર સોમનાથ જીલ્લા કલેકટર પાસેથી રાજય સરકારે પરત લઇ લીધી છે.
એક તરફ ગુજરાત રાજયની ભાજપ સરકાર હંમેશા પ્રવાસનને વેગ આપવા લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવી યાત્રી સુવિધા વધારતી હોવાના બણગા ફુંકી રહી છે. તો બીજી તરફ પાંચ વર્ષ પૂર્વે પ્રજાસત્તાક ઉજવણીમાં સોમનાથ સાંનિધ્યે પૌરાણીક સોમનાથ સરોવર વિકસાવવા રૂા.૪૦ કરોડની ગ્રાન્ટ ફાળવેલ હતી. તાજેતરમાં આ ગ્રાન્ટની રકમ રાજય સરકારે પરત લઇ સરકારની કથની અને કરનીમાં અંતર હોવાનો અહેસાસ ગીર સોમનાથ જીલ્લાવાસીઓને કરાવ્યો હોવાનો પ્રજાસત્તાક પર્વે ગણગણાટ શરૂ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!