વિશ્વ મહિલા દિવસ વિશેષ : દોઢ કલાકમાં દસ કિલોમીટર..!

0

એ સવાર ખૂબ જ ધુમ્મસ આચ્છાદિત હતી. શાળાના મેદાનમાં ઉભેલા અમે સહુ શિક્ષકો વાતાવરણના અનોખા મિજાજની ચર્ચા સાથે શાળામાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને આવકારી રહ્યા હતા. વહેલી સવારે શાળાએ આવતા પ્રત્યેક બાળકને સ્મિત સાથે આવકાર આપવો એ હવે અમારો સ્વભાવ બની ગયો છે. હાથમાં ટેમ્પરેચર ગન સાથે ઉભેલા મોરીભાઈ અને જસવંતીબેન ટેમ્પરેચરના આંકડા બોલે અને સાથે વર્ગશિક્ષક દિલીપભાઈ, જેઠવાભાઈ અને ભરતભાઇ રજીસ્ટરમાં નોંધ કરતા હતા. આચાર્ય શ્રી સુવા, સુપરવાઈઝર હંસાબેન અને વડીલ શિક્ષક નીતાબેન ઘરમાં દીકરાઓના ઉત્સાહને જાેઈ જેમ વડીલો રાજી થાય એમ અમારા આનંદને વધાવે. વિદ્યાર્થીઓને મીઠો આવકાર આપવાનો આ ઉપક્રમ તેઓને ઓળખવા માટે કોઈ અવસરથી ઓછું ન હતું..! દરરોજ વહેલો કે મોડો આવતો પ્રત્યેક વિદ્યાર્થી પોતાની અનોખી સ્થિતિનું વર્ણન કરે, કોઈક સ્ફૂર્તિ અને આનંદ સાથે તો કોઈ ઘરેથી ધક્કો માર્યાના ભાવ સાથે શાળા પ્રવેશ કરે. આ રૂટિન સહેજ પણ યાંત્રિક ન બને તેની અમે સ્ટાફમિત્રો ખૂબ જ કાળજી લઈએ. એટલામાં ત્રણ દીકરીઓ વૈશાલી, ચંદ્રિકા અને દિશાએ ઉતાવળા પગે શાળાના ગેટમાં પ્રવેશ કર્યો. જસવંતીબેને ટેમ્પરેચર માપ્યું. આ શિયાળાની સવારે આટલું વધારે ટેમ્પરેચર..? ટેમ્પરેચરનો આંકડો સાંભળતા જ અમે સહુ ચિંતિત થયા. ક્યાંક કોરોના તો..! આવું કંઈક વિચારીએ એ પહેલાં જ વૈશાલીએ કહ્યું, ‘સાહેબ.. ચિંતા ન કરો..એ તો અમે નાકરાથી બાંટવા દોઢ કલાકમાં દસ કિલોમીટર ચાલીને આવ્યા છીએ એટલે ગરમી ચડી ગઈ..!’ વૈશાલીના શબ્દોમાં ડર નહીં આનંદ હતો, થાક નહીં આત્મવિશ્વાસ હતો. શાળાએ આવવાનો કંટાળો નહીં પણ થનગનાટ હતો.. અમે પૂછ્યું, ‘કેમ તમારા ગામમાં બસ નથી આવતી ? રીક્ષા નથી ઉપડતી ?’ જવાબ મળ્યો..’ ના સાહેબ, લોકડાઉન પછી અમારા ગામમાં વહેલી સવારે બસ નથી આવતી અને રીક્ષા પણ બહુ મોડી આવે છે. તેની રાહ જાેઈએ તો મોડું થઇ જાય અને પહેલો તાસ ચુકી જવાય એટલે અમે ચાલીને આવીએ..’ અમે સહુ આ દીકરીઓના શિક્ષણ અને શાળા પ્રત્યેના અભિગમને વંદન કરી રહ્યા હતા. ક્ષણિક આ દીકરીના શબ્દોને વાગોળી અમે સહુએ તાળીઓથી તેના જવાબમાં રહેલી સચ્ચાંઈ અને ખુમારીને વધાવી લીધી હતી. સાહેબ..! ખરેખર દેશમાં જ્યાં સુધી આવી દીકરીઓ શિક્ષણ પ્રત્યે જાગૃત અને પ્રતિબદ્ધ હશે ભારતની આવતી કાલ સુવર્ણ અક્ષરે લખાશે એમ કોઈ શંકા નથી. શાળાના ભાવવારણમાં ભાવથી ભળી ગયેલા વિદ્યાર્થીઓ જ શિક્ષણ સંસ્થાના પ્રાણ હોય છે. દરેક વિદ્યાર્થીમાં પોતાનું એક અનોખું ઉર્જા કેન્દ્ર હોય છે. તેનામાં રહેલા સ્વાતંત્ર એન્જીનને ચાલું તો કરી જુઓ..? વિદ્યાર્થી કોઈ ડબ્બો નથી કે ટ્રેનની પાછળ ઢસડાઈ આવે. વૈશાલી જેવી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે જાે પ્રયત્ન કરીએ તો બધું જ શક્ય છે. મિત્રો ચાલો.. સહુ સાથે મળી દેશની આવી પ્રત્યેક દીકરીઓને સન્માન આપીએ, ભણાવીએ, તેમને જીવનની સકરાત્મકતાનો પરિચય કરાવીએ અને તેની પ્રત્યેક શક્તિ, ક્ષમતા બદલ પ્રોત્સાહિત કરીએ. એ જ સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી છે. અમે તો આ ઉજવણી દરરોજ કરીએ છીએ શું તમે કરો છો ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!