માંગરોળ પાસે ત્રિપલ અકસ્માતમાં પિતા-પુત્રનાં કરૂણ મોત

0

માંગરોળ નજીક શારદાગ્રામ પાસે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાઈકમાં સવાર પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં સારવાર માટે જૂનાગઢ રિફર કરાયેલા પિતાએ પણ રસ્તામાં દમ તોડી દીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના દિવાસા ગામના રહેવાસી સામતભાઈ કરશનભાઈ ચુડાસમા (ઉ.વ.૪૫) તથા તેમનો પુત્ર જયેશ (ઉ.વ. ૧૨) કોઈ કામ સબબ ગીરના ખોરાસા ગામે ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરી રહ્યા હતા. એ સમયે શારદાગ્રામ નજીક રોંગ સાઈડમાં વણાંક લેવા જતા અન્ય એક બાઈકને બચાવવા માંગરોળ તરફથી આવી રહેલી ફોર વ્હિલે બ્રેક મારી હતી. તે સમયે સામેથી આવતી સામતભાઈની બાઈક ફોર વ્હિલ સાથે અથડાઈ હતી. જેમાં પુત્ર જયેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. અકસ્માત બાદ હાઈવે ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા. બાઈકચાલક સામતભાઈને હાથ, પગ તેમજ માથામાં ઈજાઓ થતા માંગરોળ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. અહીંથી વધુ સારવાર માટે તેઓને જૂનાગઢ ખસેડાતા રસ્તામાં તેમનું પણ મૃત્યુ થયું હતું. બનાવ બાદ દિવાસા ગામના પૂર્વ સરપંચ પ્રભાતસિંહ દોલુભા, એડવોકેટ રમેશભાઈ ડાકી સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મજુરી કરી નિભાવ કરતા પરિવારના મોભી અને માસુમ પુત્રના મોતથી કુટુંબ ઉપર આભ તુટી પડ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews