સ્વર્ગવાસી પિતાએ લીધેલા સંકલ્પ મુજબ શિવરાત્રી મેળામાં કોઈ પાસેથી ગેવરીયા પરિવારે મંડપનું ભાડુ ન લીધુ અને દિલેરી દર્શાવી

0

ગુરૂમહારાજનાં આદેશ સાથે શરૂ કરેલ મંડપ વ્યવસાયમાં સારી કામગીરી કરનારા ગેવરીયા પરિવારે શિવરાત્રી મેળામાં આ વર્ષે કોઈપણ પાસેથી મંડપનું ભાડુ ન લેવું તેવો સ્વર્ગવાસી પિતાએ લીધેલ સંકલ્પને તેમના પુત્ર અને પરિવારે પુરો કરી અને અનોખી સેવા કરી દિલેરી બતાવી છે.
અમરેલી જીલ્લાનાં અમરાપુર (ધાનાણી)નાં રહેવાસી અરવીંદભાઈ લક્ષ્મણભાઈ ગેવરીયા રર વર્ષ પહેલાં સાઈકલ લઈને હીરા ઘસવા જતા હતાં અને આર્થિક સ્થિતિ ખુબજ નબળી હતી. તેઓ ગિરનાર ઉપર કમંડલકુંડનાં તત્કાલીન મહંત ભભુતગિરીબાપુનાં સેવક હતાં. એક વખત તેમણે હીરામાં મંદી હોવાની અને પોતાની સ્થિતિની વાત કરી હતી. આ તકે ગુરૂમહારાજે કહયું હતું કે તમે મંડપનું કામ કરો અને શિવરાત્રીના મેળાથી એ કામ શરૂ કરો. નફો બહુ ન રાખતા કારણ કે, સંસ્થાઓ ધર્માદાનાં રૂપિયાથી ચાલે છે. પૂજયબાપુના આર્શિવાદ સાથે અરવિંદભાઈ ગેવરીયાએ વ્યાજે રૂપિયા લઈ મંડપનો સામાન ખરીધો અને મેળામાં આવ્યા હતાં એ વખતે રામટેકરી, શેરનાથબાપુની જગ્યા, નારાયણ સ્વામીનો ઉતરો, કાશ્મીરીબાપુના ગુરૂનો ભંડારો, આટલા સ્થળોએ જ મંડપનો સામાન ખુબજ ઓછા ભાવે આપ્યો હતો અને ત્યારથી યાત્રા શરૂ થઈ હતી. અને ખુબજ ટુંકાગાળામાં દેણું પણ ચુકવાઈ ગયું હતું. મંડપના આ વ્યવસાયમાં બરકત આવી હતી અને મુખ્યમંત્રી, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો, તેમજ સામાજીક સંસ્થા, ધાર્મિક કાર્યો સહિતના અનેક પ્રસંગોએ મંડપો પુરૂ પાડવાની કામગીરી નીતિમતાનું ધોરણ રાખી પુરૂ પાડવામાં આવે છે. શિવરાત્રીનો મેળો હોય ત્યારે બધા કામ પડતા મુકી અને શિવરાત્રીના મેળામાં મંડપ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં સંક્રમણકાળ હોય અને આ વખતે શિવરાત્રીના મેળામાં કોઈ પાસે પછી તે સામાજીક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, સરકારી તંત્ર હોય, કોઈની પાસે એક પૈસો પણ મંડપ પેટે લેવો નહીં તેવો સંકલ્પ અરવીંદભાઈ લક્ષ્મણભાઈ ગેવરીયાએ કર્યો હતો. આ દરમ્યાન શિવરાત્રી મેળો શરૂ થાય તેના થોડા દિવસ પહેલા જ અરવીંદભાઈ ગેવરીયા કૈલાશવાસ થયાં હતાં અને આ પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. અરવીંદભાઈ ગેવરીયાએ સંકલ્પ કર્યો હતો તે અનુસાર તેમના પુત્ર હેમાંગભાઈ ગેવરીયા તથા અજય ગેવરીયાએ પોતાની ભાવના વ્યકત કરી અને પિતાના પથ ઉપર અને સંકલ્પ ઉપર ચાલી શિવરાત્રીના મેળામાં અંદાજીત ૬પ૦ જેટલા મંડપો પુર પાડવામાં આવેલ છે. સરકારી તંત્ર, ધાર્મિક સ્થળો સહિતનાઓએ પુરૂ પાડવામાં આવેલ આ મંડપને એકપણ પૈસા કોઈ પાસે લીધા નથી. વિના મૂલ્યે આ સેવા પુરી પાડી છે. એટલું જ નહી ભવનાથ વિસ્તારમાં જ ભવનાથ પોલીસ ચોકીની સામે જય ગુરૂદેવ મંડપ સર્વિસ ખાતે તમામ લોકો માટે અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યુ છે અને સેવા બજાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews