સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોનું વિધર્મી દ્વારા ઉશ્કેરણીજનક ઉચ્ચારણ કરતો વિડીયો વાયરલ થતા હિન્દુ સમાજમાં રોષ

0

જગવિખ્યાત સોમનાથ મંદિરના સમુદ્ર કિનારે ઉભી વિધર્મી યુવક દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતું ઉશ્કેરણીજનક વાકયો બોલતો સાડા ત્રણ મિનીટનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેના પગલે હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો આ મામલે સોમનાથ ટ્રસ્ટે પોલીસમાં લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાના પગલે મંદિર સુરક્ષા વિભાગની ગંભીર બેદરકારી સાથે સોમનાથ મંદિરનો દરીયા કિનારો રેઢો પડ હોવાની સાબિતી આપતી હોવાની જાણકારોમાં ચર્ચાઓ થઇ રહેલ છે.
સોશ્યલ મિડીયામાં ૩ મિનીટ અને ૨૪ સેકન્ડના વાયરલ થયેલ વિડીયો સોમનાથ મંદિરની પાછળના ભાગે અડધો કી.મી. દુર મરીન પોલીસ ચોકીની સામેના દરીયા કિનારે ભિડીયા વિસ્તારમાં રેકોર્ડ થયા હોવાનું અનુમાન કરાયુ છે. વાયરલ વિડીયોમાં એક વિધર્મી યુવક ભડકાઉ અને વિવાદિત નિવેદન કરી મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવી મુસ્લિમ સમુદાયના યુવાનોએ ગૌરવ લેવા જણાવી રહયો છે. વિડીયો રેકર્ડ કરનાર વિધર્મી યુવક સોમનાથ મંદિરની મુલાકાત લઇ આવેલ હોવાનો ઉલ્લેેખ વિડીયોમાં કરે છે. વિધર્મી યુવક સાથે અન્ય યુવક પણ વાયરલ વિડીયોમાં નજરે પડી રહયો છે.
ઝેડપ્લસ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની સુરક્ષામાં છીંડા સમાન ઘટના સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલા ઉશ્કેરણીજનક ઉચ્ચારણોવાળા વિડીયોથી સામે આવી છે. ત્યારે આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસમાં વિડીયો બનાવનાર શખ્સ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું પીઆઇ ડી.ડી. પરમારે જણાવેલ છે.
અત્રે નોંધનીય છે કે, એક તરફ વાયરલ વિડીયોમાં વિધર્મી દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોના કરાયેલ ઉચ્ચારણોથી હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, સોમનાથ મંદિર ઝેડપ્લસ સુરક્ષા ધરાવતુ હોવાથી સુરક્ષા માટે એસ.આર.પી., ઘોડેસવાર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતનો મસમોટો પોલીસ કાફલો કાયમી તૈનાત રહે છે. અને આ સુરક્ષા પર ડીવાયએસપી કક્ષાના અધિકારીની ખાસ સોમનાથ સુરક્ષા માટે નિમણુંક કરાઇ છે. ત્યારે સોમનાથ મંદિરના દરીયા કિનારે એક વિધર્મી યુવકએ વિડીયો ઉતાર્યો તે કેમ સુરક્ષા વિભાગના ધ્યાને ન આવ્યું ? સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પણ આવેલ હોવા છતાં વિધર્મી યુવક કંઇ રીતે બેરોકટકો વિડીયો રેકર્ડ કરી શકયો ? ઉપરાંત સોમનાથ સુરક્ષામાં નીચેના કર્મચારીઓની ચુક રહી હોય તો સમગ્ર સુરક્ષા ઉપર જેનું મોનીટરીંગ હોય છે તેવા પોલીસ અધિકારીઓ પણ ફરજમાં બેદરકાર છે ? આવા અનેક સવાલો ભાવિકોમાં અને હિન્દુ સમાજમાંથી ઉઠયા છે. કારણ કે, સોમનાથ મહાદેવને આસ્થાપૂર્વક દર્શનાર્થે આવતા દેશ- વિદેશના ભાવિકોનું સુરક્ષાના નામે કડક ચેકીંગ થાય છે. તો બીજી તરફ વીવીઆઇપીઓની આગતા સ્વાગતમાં સુરક્ષાના તમામ નિયમોનું છડેચોક ઉલ્લંધન થતુ જાેઇ ભાવિકોમાં કચવાટ પણ વર્તાઇ છે. ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી જે પ્રમાણે સોમનાથની સુરક્ષા સામે સવાલો ઉઠયા છે તે અંગે સરકારે અને જવાબદાર સુરક્ષા વિભાગે પણ સતર્કતા દાખવવી અત્યંત આવશ્યક બની રહે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews