ગુજરાત રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના મામલામાં સુધારાને બદલે વધારો જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સહિતની વિવિધ માનવ અધિકાર સંસ્થાઓના ટીકાસૂચન-માર્ગદર્શન છતાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો ઘટવાને બદલે વધી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે. રાજ્યમાં ર૦૧૯ના વર્ષમાં કસ્ટોડિયલ ડેથના ૭૦ બનાવ બન્યા હતા, તે વધીને ર૦ર૦માં ૮૭ થવા પામ્યા છે. બીજી તરફ આટલી બધી સંખ્યામાં કસ્ટોડિયલ ડેથના બનાવ સામે બહુ ઓછી સંખ્યામાં પોલીસ અધિકારીકર્મચારી સામે જુદી-જુદી કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલ પ્રશ્નના લેખિત જવાબમાં સરકાર તરફથી વિગતો બહાર આવી છે, તે મુજબ બે વર્ષમાં કુલ ૧પ૭ કસ્ટોડિયલ ડેથ થવા પામેલ છે. એટલે કે, ગત ર૦૧૯ કરતાં ર૦ર૦માં વધુ મોત થવા પામ્યા છે. આ બે વર્ષમાં સૌથી વધુ એકલા અમદાવાદ-કચ્છ જિલ્લામાં જ ૪૮ કસ્ટોડિયલ ડેથ થયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓ દ્વારા કડક ટીકા સહિતના નિર્દેશો આ મુદ્દે વારંવાર આપવામાં આવે છે અને વિવિધ માનવ-અધિકાર ચળવળની સંસ્થાઓ દ્વારા રજૂઆતો-માગણીઓ સાથે હોબાળો મચાવવામાં આવતો રહે છે તેમ છતાં રાજ્યનું પોલીસ તંત્ર કસ્ટોડિયલ ડેથ અટકાવવા કે ઘટાડવા મુદ્દે ઉદાસીન હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે. સરકારના જવાબમાં કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી કર્મચારી સામે પગલાં અંગે જણાવાયા અનુસાર બહું ઓછી સંખ્યામાં પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થયાનું જણાઈ આવે છે. આટ-આટલા બનાવો છતાં માત્ર એક પીઆઈ, બે પીએસઆઈ, બે એએસઆઈ અને ચાર પો.કોન્સ્ટેબલ એમ કુલ નવ જણને જ ફરજ મોકૂફ કરવામાં આવેલ છે. બાકીના કેસોમાં એક પીઆઈ, એક પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ સામે ખાતાકીય તપાસ ચાલુ છે. આ ઉપરાંત અન્ય ર૦ જેટલા કર્મચારી સામે વિવિધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જવાબમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews