ગિરનાર ક્ષેત્રમાં સેટલમેન્ટની જગ્યાની બહાર વનવિભાગનાં વિસ્તારમાં વિકાસ પામેલ અનધિકૃત નિર્માણ માટે લોકભોગ્ય ઉકેલ જરૂરી

0

જગવિખ્યાત ગિરનાર પર્વતમાળા અનાદિકાળથી તપોભૂમિ રૂપે ધાર્મિકજનોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. સિદ્ધ ભૂમિ ગિરનારમાં અનેક ચમત્કારોની દંતકથાઓ સાંભળવા મળે છે. કયારેક આંખ, કાન, નાક બધુ ૨૫-૩૦ વર્ષ બંધ રાખીને કરવામાં આવતા ચમત્કારો પણ જાેવા મળે છે. ગિરનાર ઉપર સાત પવિત્ર ટુંક આવેલી છે. રાખેંગાર મહેલની ટુંક, શકિતપીઠ અંબાજીની ટુંક, ગૌરક્ષનાથની ટુંક, દતાત્રેય ભગવાનની ટુંક, અનસુયા ટુંક, રેણુકા ટુંક, મહાકાલી ટુંક આ સાત ટુંક સિવાય ગૌમુખી ગંગા, શ્રી શંકરાચાર્ય રામાનંદ સ્વામીનો સેવાદાસ આશ્રમ, કાલભૈરવ જમ્પ, પત્થર ચટ્ટી,  શેષાવન અને ભરતવન, નામની પ્રાચિન જગ્યાઓ આવેલી છે. સાથે સાથે આનંદગુફા, સાચા કાકાની જગ્યા, દત-કાલી મંદિર,  દતાત્રેય અખંડ ધુણી, કમંડલ કુંડ, દતાત્રેય યક્ષ સ્થળી, દિગમ્બર તપોસ્થળી પરબ, સિદ્ધ શંકરગીરીજીની સમાધી પરબ વગેરે પ્રાચીન તીર્થ સ્થાનો આવેલા છે. ગિરનાર પર્વતમાળા વનવિભાગનું કેન્દ્ર શાસિત ક્ષેત્ર છે જેથી ભારત સરકારે ૧૯૬૧/૬૨માં મંકોડી પંચની તપાસ અને ખરાઈ કાર્યવાહી બાદ મહેસુલ કાયદાઓ, પંચાયત કાયદાઓ સાથે સંલગ્ન રીતે જાહેર હિતમાં ધર્મઅર્થે ઉપયોગ માટે પ્રાચીન તીર્થની જગ્યાઓને જાહેર જનતા માટે સમાધાન પંચથી મુકિત આપીને ગિરનાર ઉપર ચોકકસ માપથી જગ્યાઓ ફાળવી હતી. ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટી વિસ્તારમાં શિવરાત્રી અને પરીક્રમા સમયે ૧૦-૧૫ દિવસ ૧૦ થી ૧૫ લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. સંખ્યાબંધ અન્નક્ષેત્રો અને ભજન મંડળો એકત્રીત થતા હોવાથી સાત અખાડાની જગ્યાઓ, અન્ય દેવ દેવીનાં મંદિરો, તપ સ્થળોની ભવનાથની ૫૭ હેકટર જગ્યા ડીફોરેસ્ટ કરીને મહેસુલ કાયદાઓ અને શહેરી વિકાસના કાયદાઓ અંતર્ગત મુકત કરીને જૂનાગઢ કલેકટર અને મહાનગરપાલિકાના સંચાલનમાં મુકવામાં આવેલી છે. આશરે ૬૦ વર્ષ પહેલા ગિરનાર પર્વતમાળા અને ગિરનાર પર્વત ઉપર પ્રાચીન સ્થળોને ચોકકસ માપથી જગ્યાઓ ફાળવવામાં આવી હતી. આ તમામ ધાર્મિક જગ્યાઓ જાહેર પ્રજાજનોના વપરાશ માટેની જગ્યાઓ ગણવામાં આવે છે. અગાઉ ૧૯૬૨ની સાલમાં ભારતની કુલ વસ્તી આશરે ૩૭ કરોડ ગણવામાં આવતી હતી અને આજે ૨૦૨૧ની સ્થિતિએ વસ્તી ૧૪૦ કરોડ થવાથી વર્ષોવર્ષ વધતી વસ્તી પ્રમાણે ઉભી થતી પાણી અને અન્નક્ષેત્રોની જગ્યાઓની જરૂરત વધતી જવાથી ગિરનાર ક્ષેત્રમાં આવેલી સેટલમેન્ટની દરેક જગ્યાઓએ દાતાઓ અને યાત્રાળુઓના દાનથી આવેલા પૈસાથી ગેરકાયદેસર રીતે બાંધકામો કરીને સેટલમેન્ટથી મળેલી જગ્યાઓ કરતાં ૧૦ ગણો વધુ વિકાસ કરીને યાત્રીક સુવિધાઓ નિર્માણ કરેલી છે. મુખ્યમંત્રીઓ, પ્રધાનમંત્રીના સપનાનો રોપ-વે ૨૦૨૧માં શરૂ થવાથી પગથિયાં ચડવાથી આળસ કરતાં લાખો લોકો રોપ-વેથી ગિરનાર ઉપર યાત્રા પ્રવાસ કરવા લાગતા યાત્રિકોની સંખ્યામાં દસ ગણો વધારો એક વર્ષમાં થવાથી અન્નક્ષેત્રોની જરૂરિયાત વધી રહી છે. વેદોકત ઉલ્લેખ ધરાવતી ગિરનાર ભૂમિ પ્રાચિન હિન્દુ સિદ્ધ ભૂમિ હોવાથી સરકાર હિન્દુ શ્રદ્ધાળુઓને ગિરનારયાત્રાથી અટકાવી શકે તેમ નથી. બીજી તરફ ધાર્મિક જગ્યાઓને યાત્રિક સુવિધાઓ માટે ફરજીયાત વનવિભાગ સાથે ઘર્ષણ કરી કરીને સમાધાન અને દંડ ભરપાઇ કરીને બાંધકામ કરવાની ફરજ પડી રહી છે. ગિરનાર પર્વતની સીડી જાહેર જનતા માટે મુકત હોવાથી સીડીની બંને તરફ ૬૦ જેટલી કંતાન સ્ટોલ બનેલા છે. યાત્રિક સુવિધા માટે સેવા કેન્દ્રો અને જળ સેવા પરબની સાથે ખાવાની વસ્તુઓ અને પીણાઓ વેંચતા આશરે ૬૦થી વધુ ગેરકાયદેસર કેન્દ્રો પણ આવેલા છે. આ સઘળી બાબતમાં વનવિભાગની વિશિષ્ટ ભૂમિકા બની રહે છે, ગેરકાયદેસર બાંધકામો ચાલતા રહે છે અધિકારીઓ ધાર્મિક ભાવથી આંખ કાન નાક બંધ કરી રાખે છે, થોડા થોડા સમયે ગેરકાયદેસર બાંધકામો માટે મજુરો અને સેવાદારોને અટક કરીને એફ.ઓ.આર. બનાવી દંડ વસુલતા રહી ગેરકાયદેસર બાંધકામ પૂર્ણ થવા દે છે જેથી યાત્રિકોને સુવિધા મળી રહે છે. દંતકથાઓ મુજબ ચમત્કારિક સિદ્ધ ગિરનારમાં ૨૫ વર્ષના બાંધકામ પછી શેષાવનની જગ્યા પાસે એક જૈન સાધક હિમાંશુસુરી મહારાજ સાહેબની અંતિમ સંસ્કારની જગ્યાએ લગભગ ૪૨૦૦ ચો.મી.નું વિશાળ મંદિર અને ચારમાળની ધર્મશાળા તથા અન્નક્ષેત્ર બની ગયું છે. સ્થાનિક સાધુ સંતોના જણાવ્યા પ્રમાણે ૨૫ વર્ષ સુધી હજારો ટન પથ્થરો, રેતી, સિમેન્ટની સામગ્રી ગિરનાર ઉપર ૩૫૦૦ પગથીયા સુધી પહોંચતી રહી અને  સંખ્યાબંધ કારીગરો, મંદિર, ધર્મશાળા નિર્માણ કરતાં રહ્યા અને ભવ્ય મંદિર અસ્તિત્વમાં આવી ગયું. આ શેષાવન સમોવસરણ મંદિરનો અગાઉ કોઇ સરકારી સેટલમેન્ટમાં સમાવેશ થયેલ નથી, વનવિભાગની ઉતર રેન્જમાં ૨૫ વર્ષથી વધુ સમય કામ ચાલ્યું છે. આસપાસના વિસ્તારોમાં લાખો યાત્રાળુઓ અને અનેક વન વિભાગના જવાબદાર અધિકારીઓ જેવાકે ડી.એફ.ઓ., આસિસ્ટન્ટ એફ.ઓ., આર.એફ.ઓ., વનરક્ષકો, ફરજ બજાવી ગયા છે પણ ચમત્કારીક રીતે એક દિવસ પણ નિર્માણ કાર્ય રોકાયું નથી અને પલક ઝપકતા ૨૫ વર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થયું છે. વનવિભાગ દ્વારા આ મંદિરથી ૧૫૦૦ પગથિયાં ઉપર હિન્દુ ધાર્મિક ગુફા આસપાસ સાધુઓના રહેઠાણ માટે નિર્માણ થયેલા બાંધકામો વનવિભાગ દ્વારા અનેકવાર તોડી પાડવામાં આવે છે. સંખ્યાબંધ સેવા કેન્દ્રો ઉપર સ્વચ્છતા દંડ વસુલીને ૬૦થી વધુ કેન્દ્રો ચલાવવા દેવામાં આવે છે. જેમાં ૧૮-૨૦ સેવા કેન્દ્રો ૫૦-૬૦ વર્ષથી કાર્યરત છે. આજે કંતાનની દુકાન ગણાતા આ કેન્દ્રો ઉપર ત્રીજી પેઢી સેવા આપી રહી છે તેમ છતાં વનવિભાગના અધિકારીઓએ ન્યાયીક ફરજ બજાવી નથી. ૫૦-૬૦ વર્ષથી સ્થિત સેવા કેન્દ્રો સીડીની બંને તરફ ચલાવાય રહ્યા છે તો એમને પણ શરતો સાથે સેટલમેન્ટમાં ભાડાપેટે સમાવેશ કરવાનું વિચારણા કરી શકાય તેમ છે. ૨૫ વર્ષ સુધી મંદિર ધર્મશાળા બનાવવામાં પરોક્ષ ભાગીદાર થનારા વન અધિકારીઓ બીજા લોકો માટે કાયદાઓનો દંડો મારતા રહેતા હોવાથી વન વિભાગના પક્ષપાતી અધિકારીઓને કારણે નાના મોટા વિવાદો અને ઘર્ષણો સતત ચાલતા રહે છે. દાતારની જગ્યા, કાશ્મીરીબાપુની જગ્યા, સરખડીયા હનુમાનજીની જગ્યા, માળવેલાની જગ્યાઓમાં દાતાઓએ યાત્રિક સેવાના સાર્વજનીક હેતુઓ માટે મોટા બાંધકામો કરેલા છે. અનેક નવા રસ્તાઓ અને પગદંડીઓ પણ બનેલી છે તેથી સમગ્ર ગિરનાર ક્ષેત્ર આરક્ષિત અભયારણ જાહેર થયા બાદ ગુજરાત વનવિભાગ અને ભારત સરકાર દ્વારા જગ્યાઓના ફરી સેટલમેન્ટ માટે કાર્યવાહી હાથ ધરે એવી હિન્દુ શ્રદ્ધાળુઓમાં માંગણી ઉઠી રહી છે. તાજેતરમાં બનેલી ઘટનાઓ અનુસાર રોપ-વે સુવિધાને કારણે સતત વધી રહેલી યાત્રિકોની સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટે વનવિભાગ અને જગ્યાઓના સંચાલકો વચ્ચે ઘણા પક્ષપાતી વિવાદોથી ઘર્ષણો થયાનું ચર્ચાય છે. રાજય સરકાર દ્વારા સત્વરે ગિરનાર ક્ષેત્રમાં સેટલમેન્ટની જગ્યાની બહાર વનવિભાગના વિસ્તારમાં  વિકાસ પામેલ અનધિકૃત નિર્માણ માટે લોકભોગ્ય ઉકેલ માટે સમાધાનકારી અને કાયમી ઉકેલ માટે કાર્યવાહી હાથ ધરવાની માંગણી બળવતર બની રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!