ખંભાળિયા નજીક પોલીસ કર્મી દ્વારા બેદરકારીપૂર્વક સર્જાયો જીવલેણ અકસ્માત

0

ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બે દિવસ પૂર્વે મોડી સાંજના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-૩૭-જે-૧૦૮૯ નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, આ માર્ગ ઉપર ઈક્કો મોટરકારને એક સાઇડમાં રાખીને ઊભેલા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહીશ દિલીપભાઈ નરશીભાઈ બારૈયા સાથે અકસ્માત સર્જતા, આ કારમાં સવાર દિલીપભાઈ સહિતના મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ જીવલેણ અકસ્માત સર્જતા સ્વીફ્ટ મોટરકારના ચાલક અને ખંભાળિયા પોલીસ હેડકવાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હસમુખ હીરાભાઈ પારઘીને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે દિલીપ બારૈયાની ફરિયાદ ઉપરથી સ્વીફ્ટ કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૮ તથા એમ.વી. એકટ મુજબ કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા સ્વિફ્ટ કારનું ચેકિંગ કરવામાં આવતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. આથી પોલીસે સ્વીફ્ટ મોટરકાર નંબર જીજે-૩૭-જે-૧૦૮૯ના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ વધુ એક ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જીને હાલ આઈસીયુમાં દાખલ પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખ પારઘી સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હોવાનું તથા તેને અગાઉ ખંભાળિયામાં એક વિવાદિત પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ થોડા સમય પૂર્વે જ તેને હેડક્વાર્ટરમાં પૂર્નઃ ફરજ ઉપર લેવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણની તપાસ અહીંના પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!