બેટ-દ્વારકાનું સરકારી હોસ્પિટલ અવાર-નવાર બંધ રહે છે. ડોકટર કે સ્ટાફ કોઈ હાજર ન રહેતા બેટની પ્રજામાં બિમાર લોકોની હાલત ખરાબ થાય છે. બેટ એક ટાપુ હોવાથી બિમાર વ્યકિતને લઈને ઓખા કે મીઠાપુર જવું પડે જેમાં સમય અને વધુ નાણાંની જરૂર પડે છે. ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ જાયે તો જાયે કહાં ! જેવી સ્થિતિ છે. ગુરૂવારે તા.૨નાં રોજ સવારથી સાંજ સુધી ડોકટર કે સ્ટાફ કોઈ ફરકયું જ નથી અને અનેક દર્દીઓ રઝળતા રહ્યા હતા. બેટ ગ્રામજનોની માંગણી છે કે, બેટમાં સરકારી દવાખાને કાયમી ડોકટર અને સ્ટાફ હાજર રહેવા જાેઈએ. પ્રજાનાં સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવવી અનેક સવાલો પેદા કરે છે. ગ્રામજનોમાં બેદરકારી સામે ખુબ જ રોષ જાેવા મળી રહ્યો છે.