વેરાવળના યુવાન માટે આશીર્વાદ બની ગુજરાત સરકારની ‘વાહન અકસ્માત વીમા સહાય યોજના’

0

દર વર્ષે રાજ્યમાં અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટે છે. આવી જીવલેણ પરિસ્થિતી અટકાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તની સારવાર માટે ગુજરાત સરકારે ‘વાહન અકસ્માત સારવાર યોજના’ લાગુ કરી છે. આ યોજના અંતર્ગત કોઈપણ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પ્રથમ ૪૮ કલાક માટે ક્લેઈમ કવર કરવામાં આવે છે. જેમાં રૂા.૫૦,૦૦૦ સુધીની સારવાર તદન નિઃશુલ્ક મળશે. આ યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના નાગરિક જેનો અકસ્માત ગુજરાતમાં થયો છે તેમને પણ મળશે. વેરાવળના રહેવાસી સોહેલ મુસ્તાકભાઈ કાઠીએ આ યોજનાના લાભ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વેરાવળના રહેવાસી અને મેડિકલ સેલ્સમેન તરીકે કામ કરતા સોહેલ મુસ્તાકભાઈ કાઠીને માણાવદર પાસે અકસ્માત નડ્યો હતો. તેમને ગુજરાત સરકારની ‘વાહન અકસ્માત સહાય યોજના’નો તાત્કાલિક લાભ મળ્યો અને હાથનું ઓપરેશન નિઃશુલ્ક થયું હતું. સોહેલભાઈએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, અકસ્માત સમયે મને પારાવાર દર્દ થતું હતું અને મને એવું લાગતું હતું જાણે મારો હાથ આખો અલગ થઈ ગયો હોય. જે પછી એક ભાઈ મને ત્યાંની હોસ્પિટલ મૂકી ગયા. જ્યાં મારા હાથનો એક્સરે કરવામાં આવ્યો. પછી તબીબોએ જણાવ્યું કે, મારા હાથની ઉપરનું અને નીચેનું હાડકું બંને તૂટી ગયા હતા. જેથી મને ઓપરેશનની સલાહ આપવામાં આવી. આવી કપરી પરિસ્થિતીમાં હવે હું ક્યાં જઈશ ? કેટલો ખર્ચ થશે ? એવા સવાલો મારા મનમાં આવતા હતા. જેથી હું જલદી વેરાવળ આવ્યો અને મારા મોટાભાઈ સાજીદભાઈ કાઠીએ મને ગુજરાત સરકારની “વાહન અકસ્માત સારવાર સહાય યોજના” વિષે જણાવ્યું. જે પછી અમે માત્ર એક સામાન્ય ફોર્મ ભર્યુ અને સાંગાણી હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં મારૂ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને હવે મારી તબિયત એકદમ દુરસ્ત છે. મારો એવો આગ્રહ છે કે, વધુમાં વધુ લોકોને સરકારની આ યોજના વિષે જાણ થાય. અકસ્માત સમયે ગુજરાત સરકારની આ યોજના અત્યંત આશીર્વાદરૂપ છે. મને આ યોજનાથી ખૂબ જ ફાયદો થયો છે આ યોજના હેઠળ સારવાર માટે મારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડયો નથી. ઓપરેશન દ્વારા મારા હાથમાં પ્લેટ અને સળિયા નાખવામાં આવ્યા હતાં. જાે સરકારની આ યોજના ન હોત તો સમયનો પણ ખૂબ વેડફાટ થયો હોત ઉપરાંત ખર્ચો પણ ખૂબ જ થયો હોત. ગુજરાતમાં વસતા નાગરિકો માટેની ‘વાહન અકસ્માત સારવાર સહાય યોજના’ માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું. વેરાવળના ડોક્ટર અર્જુન અજુડિયાએ આ યોજના વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માતમાં થતાં મૃત્યુંદરને ઘટાડવા માટે ગુજરાત સરકારની આ યોજના ખૂબ જ લાભદાયી છે. ગુજરાત રાજ્યની હદમાં કોઇપણ વિસ્તારમાં અકસ્માત નડે તો ઇજાગ્રસ્ત વ્યક્તિને આ યોજના હેઠળ સહાય મળી શકે છે. કોઇપણ વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થાય તેના પ્રથમ ૪૮ કલાકમાં કોઇપણ સારવાર માટે ૫૦૦૦૦ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. આ યોજનાનો લાભ લેવા માટે યોજનાના પત્ર સાથે ક્લેઇમ ફોર્મ રજૂ કરવાના રહેશે.

error: Content is protected !!