ઓખા ખાતે તારીખ ૮-૬-૨૦૨૨ના શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઓખા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે.બી. જાડેજા, ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલના પ્રિન્સિપાલ જતીનભાઈ રામાવત તથા ગીતાબેન શર્મા, ચિરાગભાઈ મશરૂ, મંજુલાબેન હિંડોચા, દક્ષાબેન ગાંધી, દક્ષાબેન ત્રિવેદી, રીટાબેન વિઠલાણી અને વાલીઓએ હાજરી આપેલ હતી. શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખાના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાએ પ્રારંભિક પ્રસ્તાવમાં અભિનંદન તથા આશીર્વાદથી સ્વાગત કર્યું હતું અને સમજાવ્યું કે, વિદ્યાર્થીઓની સફળતા ચાર પાયા તથા એક મજબૂત છત ઉપર આધારિત છે. વાલી, વિદ્યાર્થી, શિક્ષકગણ, સમાજના અગ્રણીઓ તથા ઈશ્વરના આશીર્વાદ ઉપર ર્નિભર છે. આજે વિદ્યાર્થીને સિદ્ધિ મળેલ છે તે અંત નથી પરંતુ સફળતાની સીડીનું પ્રથમ સોપાન છે. જ્ઞાન ધ્યેયલક્ષી એકાગ્રતા, પરિશ્રમ, સ્પષ્ટ વિચારો, હિંમત, તાકાત અને મજબૂતી તથા આશીર્વાદ સાથે સ્પર્ધાત્મક હરીફાઈ જીવનમાં ખૂબ જ આગળ વધવાનું છે. શિક્ષણના પાંખોની સાથે ઉડવાનું છે પણ ઉડતા ઉડતા પગ હંમેશા જમીન ઉપર રાખવા જરૂરી છે. જેથી આપણી ઉત્તમ કારકિર્દીની સાથે એક આદર્શ નાગરિક બની શકીએ આગળ વધતા પાછળ જવાનું નથી પણ પાછળ જરૂર જાેવાનું છે કે જ્યાં તમારા માતા-પિતા તમારા ઉપર ગર્વની લાગણી સાથે તમારી રાહ જાેઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થીએ પોતાના માતા-પિતાનો ભોગ અને ત્યાગ ક્યારેય પણ ભૂલવાનો નથી. ક્યારે પણ એવા શબ્દો સાંભળવામાં ના આવે કે વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ છે ! આ કાર્યક્રમમાં ઓખા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે.બી. જાડેજાએ ઘસેલા હીરાનું ઉદાહરણ આપી સમજાવેલ કે, અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ઘડાયેલા છે અને પોતાની ચમકથી તેઓ પોતાના પરિવાર શાળા, ગામ અને દેશનું નામ રોશન કરશે. ઉપરાંત પોતાના સંતાનોને આગળ લઈ આવવા માટે માતા-પિતાએ જાગૃત રહેવું આવશ્યક છે. જતીનભાઈ રામાવત દ્વારા જણાવવામાં આવેલ કે, માતા-પિતા પોતાના સંતાનોને ઘણી વખત કપરી પરિસ્થિતમાં ભણાવે છે તેથી દરેક સંતાનની ફરજ છે કે, તેમની આશા અને ઈચ્છાને પુરેપુરો ન્યાય આપવો જાેઈએ. દરેક તેજસ્વી વિદ્યાર્થીઓને ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમની શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળે જહેમત ઉઠાવી હતી.