માંગરોળનાં કામનાથ મંદિરે તેરસથી અમાસ સુધી ભવ્ય લોક મેળો યોજાશે

0

માંગરોળ નજીકનું પૌરાણિક કામનાથ મંદિર કોરોનાકાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ આ વખતે શ્રાવણ માસમાં દર્શનાર્થે લોકોની ભક્તોની અભૂતપૂર્વ ભીડ જાેવા મળી રહી છે. આગામી તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ દરમ્યાન મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. પંથકના લોકોની આસ્થાના કેન્દ્ર સમાન શહેરથી સાત કિ.મી. દુર “નોળી નદીના નાથ” તરીકે જાણીતા કામનાથ મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે. એવી લોકવાયકા છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાથી ભાલકા જતી વખતે છેલ્લે અહીં પૂજા કરી હતી. પદ્મપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. આજની તારીખે પણ કુંડની આસપાસમાં પત્થરના કુદરતી રીતે જ બનેલા શંખ, ચક્ર, ગદા જેવા આયુધો મળી આવે છે. ત્યારે પૌરાણિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવતા આ મંદિરમાં શ્રાવણ માસમાં દુર દુરથી પગપાળા આવતા લોકો અહીં શીશ નમાવે છે. સોમવારે રાત્રીના બાર વાગ્યે વિશેષ શણગાર સાથે થતી મહા આરતીમાં પણ મોટી સંખ્યામાં આવી ભક્તો ધન્યતા અનુભવે છે. સતત વરસતા વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીને લીધે આ વર્ષે મંદિરની સમીપે પસાર થતી નોળી નદીમાં ત્રણથી ચાર વખત પૂર આવતા વનરાજી, પ્રાકૃતિક સોંદર્ય ખીલી ઉઠ્‌યું છે. હાલમાં પણ કુંડ ઉપરથી ખડખડ વહેતા પાણીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. હાલ શ્રાવણ માસના અંતિમ તબક્કામાં છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન કુંડ પાસે લોકો દિવો પ્રગટાવી, આખી રાત જાગી પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. આ ઉપરાંત અહીં ત્રણ દિવસ લોકો મન ભરીને મેળો માણશે. કામનાથ મંદિરના ગર્ભગૃહમાં આવેલા શિવલીંગનું કદ વધતું હોવાની એક વાયકા પ્રચલિત છે. ત્યારે મંદીરના પુજારી ઈશ્વરભારથી ગોસ્વામીના જણાવ્યા મુજબ શ્રાવણ માસના બીજા પખવાડીયામાં ચૌદશના દિવસે બપોરે બાર વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે. આભુષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે. જેમાં અમુક વર્ષે ક્રમશઃ કંદોરાની સાઇઝ ટુંકી થઈ રહી છે. આ પ્રમાણ ઉપરથી શિવલીંગ વધતું હોય તેવું જણાઈ છે.

error: Content is protected !!