ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશના પ્રથમ નામોચ્ચારણથી થતી હોય છે અને સર્વ દેવી દેવતાઓમાં જેમનું સ્થાન અવલ્લ રહ્યું છે અને વિશેષમાં રિધ્ધિ-સિધ્ધિના દાતા દુંદાળા દેવનો પ્રાગટયોત્સવ વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથ તરીકે આપણે સહુ ‘ગણેશચતુર્થી’ તરીકે ઉજવી છીએ, ત્યારે આ પાવનકારી અવસર ભારતભરમાં રંગેચંગે, ઉમળકાભેર વધાવીને શેરીએ-ેશેરીએ, ધાર્મિક સ્થાનોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ પોતપોતાના ઘરોમાં પણ ‘ગણેશ’ની પધરામણી સહુ કોઈ કરે છે. આ વર્ષે પણ ડો. સુભાષ યુનિવર્સિટીમાં ગણેશચતુર્થી નિમિત્તે ગણેશજીની વિધિવત્ત રીતે, બ્રાહ્મણો દ્વારા પૂજા-અર્ચના કરી યુનિવર્સિટીના પટાંગણમાં ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી. આ સમયે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, શૈક્ષણિક તેમજ બીન શૈક્ષણિક સ્ટાફની ઉપસ્થિતિમાં આ કાર્યમાં હાજર રહી શુભ કાર્ય નિષ્પન્ન થયેલ હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયેલ હતો અને વિદ્યાર્થીઓમાં રહેલી અવનવી કળા પણ નિહાળવા મળી હતી, જેમાં સ્ટેજ સુશોભન, પૂજા થાળી, આરતી થાળીને વિવિધ રીતે શણગારી ગણેશજીને અર્પણ કરી ગણેશવંદના કરી હતી. તદઉપરાંત સંસ્થા દ્વારા ચાલતું સમર્પણ કલબ દ્વારા આયોજિત મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ, જૂનાગઢના બાળકોએ પોતાના પ્રતિભાદર્શન કરાવ્યા હતા. શારીરિક રીતે વિકલાંગ હોય શકે પણ માનસિક રીતે વિકલાંગ નથી તેની પ્રતીતિ સમાજને કરાવી હતી અને તેઓએ ગણેશ આરતી, ગણેશસ્તુતિ, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપેલ હતા. સંસ્થા દ્વારા આ વિકલાંગ ટ્રસ્ટને આર્થિક ભેટ રૂપી આર્થિક ફાળો પણ એકત્ર કરાયેલ હતો જે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટને આપવામાં આવેલ હતો. આ પંચદિવસીય શુભ કાર્ય નિમિત્તે સંસ્થા દ્વારા સવાર-સાંજ મહાઆરતી અને પ્રસાદનું આયોજન પણ કરેલ છે. સંસ્થાના ચેરમેન જવાહરભાઈ ચાવડા, યુનિ.ના પ્રમુખ રાજભાઈ ચાવડા, યુનિ.ના પ્રો.વોસ્ટ તેમજ સંસ્થાના ડાયરેકટર સહુ કોઈ આ પાવનકારી પ્રસંગે વિઘ્નહર્તા વિનાયકને સર્વને સુખ, શાંતિ, સમૃધ્ધિ વધે તેવી યાચના કરી હતી. તેમજ આઝાદીના અમૃત મહોત્સવને કેન્દ્રમાં રાખી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. અંતમાં, આ શુભકાર્ય નિમિત્તે સહુ કોઈ મોતીચુરના લાડુનો પ્રસાદ લઈ દિવ્યતા અને ધન્યતા અનુભવી હતી. ‘ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા’ના ગગનભેદી સ્વરોએ આ દિવ્ય અને અનુપમ ઘડીએ ભકિતમય વાતાવરણ છવાઈ ગયું હતું.