તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ તેમના નિવાસ સ્થાને માછીમાર આગેવાનો સાથે મુલાકાત બેઠક કરી હતી. જેમાં રાજ્યના ઓખાથી ઉંમરગાવ સુધીની દરિયાઈ પટ્ટીના માછીમાર સમાજના પ્રતિનીધી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મત્સ્યોદ્યોગ અને માછીમારોને કનડગત કરતા અનેક પ્રશ્નોની રજુઆતો કરતા તેના ઉકેલ માટે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં ખાસ છેલ્લા ત્રણેક વર્ષમાં ઉપરા છાપરી આવેલ કુદરતી આફતોના કારણે માછીમારો આર્થીક અને વ્યાવસાયિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેને બહાર લાવવા રજુઆતો થઈ હતી. આ બેઠક અંગે ભારતીય ફીશરમેન એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, માછીમારોના અનેક પ્રશ્નોની રજૂઆત કરેલ જેમાં ખાસ કરીને ડીઝલના વધતા ભાવોની સામે માછીમારોને વ્યવસાય ટકાવી રાખવા માટે ૧૦૦ ટકા વેરા મુકત ડીઝલ અને ખરીદી સમયે જ વેરાની રકમ બાદ થાય તેવી સુવિધા આપવી, નાની હોડીઓમાં વપરાતા કેરોસીન પેટ્રોલ વગેરેના વાર્ષિક કવોટા વધારવા, મંડળીઓ સંચાલીત ડીઝલ પંપો દ્વારા રીટેલર (મુકત બજાર) ના પંપ કરતા રૂા.૩.૭૫ ની રકમ વધુ વસુલાય છે તથા બીપીસીએલ દ્વારા રૂા.૪.૦૫ ડીસ્કાઉન્ટ પ્રાઇઝ ભાવે ટેન્ડરીંગ કરવામાં આવેલ તેનો લાભ માછીમારોને તાત્કાલીક અસરથી મળે તેવી વ્યવસ્થા કરવા, હોડીઓમાં વપરાતા કેરોસીનમાં મળતી સબસીડીની રકમ બમણી કરવા, ઓબીએમ મશીનની આગલા વર્ષોની જે સબસીડી બાકી તે વ્હેલીતકે ચુકવવા તથા રાજયના જુદા જુદા બંદરોનું નવિનીકરણ કરવા કામગીરી કરવી અને પાછલા વર્ષો જે નવા બંદરો બનાવવાના કામો રાજય સરકારએ મંજૂર કર્યા છે તેનું તાત્કાલીક કામ શરૂ કરવા માંગણી કરી છે. આ બેઠકમાં રાજ્યભરના બંદરોના પ્રતિનિધિઓ હાજર રહેલા જેમાં ખારવા સમાજના પટેલ કીરીટભાઇ ફોફંડી, ઉપપ્રમુખ ટી.પી. ટંડેલ, ઉંમરગાવના હીરાભાઇ ટંડેલ, માંગરોળ મંડળના પ્રમુખ દામોદરભાઇ ચાંપડીયા, બોટ એસો.ના જમનાદાસ વડુર, ગુજરાત મહામંડળ કોળી માચ્છીમાર સમાજના પ્રમુખ જેન્તીભાઇ સોલંકી, ઓખા બોટ એસો.ના પ્રમુખ મનોજ મોરી, ડીઝલપંપ એસો.ના પ્રમુખ મોહન બારીયા, ચોરવાડ ખારવા સમાજના પટેલ હરીલાલ સુકરીયા, નવાબંદરના સરપંચ સોમવારભાઇ, ભીડીયા ખારવા સમાજના બોટ એસો. ના પ્રમુખ રમેશભાઇ ડાલકી, ભીડીયા કોળી સમાજ બોટ એસો.ના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, જાફરબાદ બંદરના પ્રમુખ અશોકભાઇ સહિતના સાથે રહયા હતા.